Monday, October 27, 2014

મારી વાત


મોટે ભાગે આપણને બધાં પાસેથી એવું વધારે સાંભળવા મળે છે કે દુનિયા બહુ ખરાબ થઇ ગઈ છે. કોઈ ઉપર ભરોસો રાખવા જેવું નથી રહ્યું. પણ ક્યારેક અચાનક એવા અનુભવ થઇ જાય છે કે માનવજાત ઉપરથી ડગી ગયેલો વિશ્વાસ ફરી સ્થિર થઇ જાય.

        એક વાર હું મારાં શહેર ભુજથી ૫૦ કિમી દૂર આવેલ માંડવી ગામ જઈ રહી હતી. ત્યાંથી પાછાં આવતાં સાંજ થઇ ગઈ. માંડવીથી ભુજ વચ્ચે તુફાન ગાડીઓ ફેરા કરે. હું તેના સ્ટેન્ડ પાસે ઉભી હતી. એક ડ્રાઈવર મને પૂછી ગયા કે ભુજ જ જવું છે કે નહિ. ત્યાં એક સાવ ખાલી ગાડી પસાર થઇ. હજી તો હું તેના ડ્રાઈવરને પૂછવા જાઉં ત્યાં પેલા ડ્રાઈવરે આવીને મને રોકી અને કહે : બહેન, આમાં ના જશો . કેમ કે આ અમારી રોજિંદી લાઈનની ગાડી નથી. કોઈ અજાણ્યો ડ્રાઈવર છે.

        હું ફરી વાહનની રાહ જોતી ઉભી. પેલા ડ્રાઈવર મારી પાસે આવ્યા અને કહે : જો મારી ગાડી ભરાય તો તમને કહું છું. નહિ તો હજી છેલ્લી એસટી છે, તેમાં જતા રહેજો.  પણ કોઈ ગાડી તો આવી નહિ. અંધારું વધતું જતું હતું. ત્યાં ફરી એ ડ્રાઈવર આવ્યા અને કહે : હવે લાગતું નથી કે ભુજ માટે પેસેન્જર મળે. અહી હવે બહુ વસ્તી નથી. તમે અહી એકલા ના ઉભશો. હું તમને બસ સ્ટેન્ડ મૂકી જાઉં. ત્યાં લોકો હશે અને છેલ્લી બસ પણ હમણાં જ્ આવશે.

         એ ભાઈ મને એકાદ કિલોમીટર દૂર આવેલા બસ સ્ટેન્ડ પાસે પોતાની તૂફાનથી મૂકવા આવ્યા. નસીબજોગે બસ આવી ગઈ હતી. ભાઈએ મને ત્યાં ઉતારી. મેં એમનો આભાર માન્યો અને કેટલ પૈસા આપવાના તે પૂછ્યું. તો તેઓ કહે : બહેન, આટલામાં પૈસા લેવાય? એમાં શું? તમે આમ એકલાં ઉભા હો અને હું ત્યાં હોઉં તો તમે મારી જવાબદારી બની જાઓ. એટલે જ્ મેં તમને અજાણી ગાડીમાં જવાની ના પાડી. હવે તો તમે અહી વસ્તીમાં છો તો ચિંતા નથી. હવે હું ઘરે શાંતિથી જઈશ.
       
આવા ઘણા અનુભવ થયા છે અને શ્રદ્ધા છે કે થતા રહેશે. હું એ બધા અનુભવોને અહી મૂકતી રહીશ. આશા છે કે એ વાંચીને માનવજાત ઉપરનો આપણા સહુનો વિશ્વાસ અતૂટ રહેશે. એટલું જ નહિ, આપણે પણ કોઈને આવી રીતે યથાશક્તિ ઉપયોગી થવાની વૃત્તિ રાખીને તેમનો વિશ્વાસ ટકાવી રાખવા માટે કારણભૂત બની શકીએ.....


        

Tuesday, October 7, 2014

સાર્થક જલસો : સાચા અર્થમાં વાચનનો જલસો




માવાની મીઠાઈઓ, ફિલ્મી કલાકારોની દિવાળીની ઉજવણી, ઘરની સજાવટ અને મુખપૃષ્ઠ ઉપર કોઈ ફિલ્મી હિરોઈનનો ફોટો..... આવી જ ચીલાચાલુ સામગ્રી લઈને મોટા ભાગના સામયિકોના દિવાળી અંક આવતા હોય છે.


પણ તેમાં અલગ ચીલો પાડ્યો છે સાર્થક પ્રકાશનના "સાર્થક જલસો"એ... એકદમ અલગ જ પ્રકારની વાચનસામગ્રીનો રસથાળ છેલ્લી બે દિવાળીથી વાચકોને સંતોષ આપે છે. લેખો પણ નવા અને લેખકો પણ નવા, વિષયવસ્તુ તો વળી સાવ જ અલગ.. ખૂબ સુંદર સજાવટ. વાચનસામગ્રીના ભોગે જાહેરાત નહિ. કિમત કોઈને પણ પોસાય એવી.


વાંચવાનું મન થાય અને પ્રિયજનોને ભેટ આપવાનું પણ મન થાય એવો આ  "જલસો"નો અંક આવી ગયો છે.
ઝટ વાસી થઇ જાય એવા નહીં, પણ ઉત્તમ પુસ્તક જેવી લાબી આવરદા ધરાવતા અને એક વાર વાંચ્યા પછી ફરી ગમે ત્યારે, વારંવાર વાંચતાં એટલો જ આનંદ આપે એવો લેખો ’સાર્થક જલસો’ની ખાસિયત છે.
અંક મંગાવવા માટેની લિન્ક
http://gujaratibookshelf.com/index_detail.php?bookn=6393
L

Sunday, October 5, 2014

સાચવી રાખો

-ગૌરાંગ અમીન
ડાળમાં તિખારો સાચવી રાખો 

રાખમાં ધુમાડો સાચવી રાખો

આપવા ભરોસાપાત્ર રસ્તાને 

ચાલમાં વિસામો સાચવી રાખો

અર્થપૂર્ણ આગાહી વહેંચી દો

શબ્દમાં ચુકાદો સાચવી રાખો

ક્યાંક સ્વપ્નમાં અંદાજ આવે તો 

આંખમાં પુરાવો સાચવી રાખો

તું કહે અને હું સાંભળું બોલી 

મૌનમાં વિચારો સાચવી રાખો

જાણતા હો તે જાણવું પડે ત્યારે 

પ્રશ્નમાં જવાબો સાચવી રાખો

વત્સ, લાગ સામે લાગ લાગે છે

હાથમાં ઘસારો સાચવી રાખો

Thursday, October 2, 2014

લાલકોરબાની યાત્રા

લાલકોરબાની યાત્રા

આશાપરથી ઈટાલી
સોય - દોરાના સંગાથે

        કોઈ સ્ત્રી એમ કહે કે લગ્નનાં દોઢ વર્ષમાં જ મારા પતિ મૃત્યુ પામ્યા ત્યારે સાંભળનારને જરૂર સહાનુભૂતિ થાય. જ્યારે એ સ્ત્રી એમ ઉમેરે કે વિધવા થઈ ત્યારે મારી ઉમર હતી ૧૪ વર્ષ. ત્યારે તો સાંભળનારને અરેરાટી થઇ જાય.

        આ કોઈ ટી.વી. ધારાવાહિકની વાત નથી. આ સત્યઘટના છે લાલકોરબાનાં જીવનની. કચ્છ જિલ્લાના લખપત તાલુકાનાં આશાપર ગામનાં વાતની અને જીવનનાં પચાસ વર્ષ વટાવી ચૂકેલાં લાલકોરબા પોતાનાં જીવનની આ દુ:ખદ યાદોમાં ખોવાઈ જતાં થોડાં ઉદાસ થઈ જાય છે.૭૧ની લડાઇ સમયે પાકિસ્તાનમાંથી પહેરેલે કપડે ભાગી છૂટેલા આ સોઢા પરિવારો પાસે કંઈ જ મૂડી નહોતી. કુટુંબની નબળી આર્થિક સ્થિતિને લીધે લાલકોરબાનાં લગ્ન તેમનાથી સોળ વર્ષ મોટા, ક્ષયપીડિત પુરૂષ સાથે થયેલાં.જે લગ્નના દોઢ વર્ષમાં જ અવસાન પામ્યા. હવે કુટુંબમાં તો બે દેર સિવાય કોઈ જ નહોતું. તેઓ ત્રણે અન્ય કુટુંબો સાથે ભારત આવવા પગપાળા નીકળી પડ્યાં. ઊંટ હતા પણ તેના ઉપર ગર્ભવતી અને નાનાં બાળકોવાળી સ્ત્રીઓ બેસતી. દરરોજના પાંચ ગાઉ કાપીને તેઓ સહુ પંદર દિવસે રાજસ્થાન પહોંચ્યાં.રસ્તાની હેરાનગતિની તો વાત જ ન થાય. ખાવા-પીવા-સૂવા, શેનાંય ઠેકાણાં નહીં.
        રાજસ્થાનથી ગુજરાતના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાનાં બિબ્બર ગામમાં ગયાં.ત્યાં પણ ઠરીઠામ થવાય એવું ન હોતાં, લખપત તાલુકાનાં કુરિયાણી અને ત્યાંથી માતાના મઢ ગયાં.છેવટે સાથેનાં પશુધન માટે કરીને,આશાપર ગામમાં તળાવ હોવાથી ત્યાં રહેવાનું નક્કી કર્યું.પહેલાં થોડા લોકોએ આશાપરમાં જાતે જ ભૂંગા બનાવ્યા અને પછી સહુ ત્યાં રહેવા ગયા.
        લાલકોરબાને પોતાની કોમના રીતિરિવાજોની મર્યાદા હોવાથી તેઓ બહાર કાંઈ કામ કરવા તો જઈ શકે તેમ નહોતાં. તેથી હાથનો હુન્નર એવું ભરત વેંચવાનું શરૂ કર્યું.ત્યારે કોઇનો ટેકો હતો નહીંવચેટીયાઓ આવે અને જેટલા પૈસા ચૂકવે તેનાથી સંતોષ માનવો પડતો. લાલકોરબાને પોતાની કોમનું પકો ભરત આવડે. પછી તેઓ હરિજન કોમનું નેરણ ભરત પણ શીખ્યાં.
        એ સમયે ત્યાં કચ્છ મહિલા વિકાસ સંગઠન નામની સંસ્થાનાં કાર્યકરો આવતાં. લાલકોરબાએ તેમની સાથે જોડાણ કર્યું.બીજાં કારીગર બહેનો પણ સંકળાયાં.આ સંસ્થા ભરતની ગુણવત્તા જળવાય તેની ખૂબ ચોકસાઈ રાખતી. તેમાં જરાય બાંધછોડ કરવામાં આવતી નહીં. એટલે ધીમેધીમે બીજાં કારીગર બહેનોએ કામ મૂકી દીધું. પણ લાલકોરબાએ કામ ચાલુ રાખ્યું.તેઓ આશાપરથી દયાપરની ઓફિસે જતાં થયાં.ઘણીવાર તેઓ માતાના મઢથી આશાપર એટલે કે ૧૮ જેટલા કિ.મી.ચાલતાં જતાં. કુટુંબનો તેમને ટેકો હતો.ગામલોકો ટીકા કરતા પણ સાથે એ પણ સમજતા કે લાલકોરબાને પૈસાની ખૂબ જરૂર છે.
        અત્યારે લાલકોરબા સંસ્થામાં બે દાયકા જેટલો સમય પૂરો કરવાની નજીક છે. હવે તેઓ ભરતકામની સાથે બચત, શિક્ષણ,આરોગ્ય અને કાયદાના મુદ્દે પણ કામગીરી કરે છે. એક સમયે ઘરની બહાર પણ ના નીકળનાર લાલકોરબા કારીગર પ્રતિનિધિ તરીકે વિવિધ પ્રદર્શનોમાં બેંગલુરૂ, પૂના, દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, કલકત્તા જઈ આવ્યાં છે. એટલું જ નહીં, ઈટાલી પણ જઈ આવ્યાં છે. ત્યાં "આ મશીનનું ભરત છે" તેમ માનતા લોકો સામે તેમણે ભરત ભરીને બતાવ્યું હતું.
        તેઓને પાસપોર્ટ માટે ઘણી તકલીફો પડી હતી.આશાપર ગામનાં બહેનોએ તો લાલકોરબાને પાસપોર્ટ મળી જાય તે માટે માનતાઓ રાખી હતી ! લાલકોરબા માટે આ પાસપોર્ટ બેવડી ખુશી લઈ આવેલો. કેમ કે, તે ઈટાલીની સાથે લાલકોરબાને પોતાના પરિવારને મળવા માટેનો પણ પરવાનો હતો. ૧૯૭૧ પછી પહેલીવાર લાલકોરબા પાકિસ્તાનમાં રહેતાં પોતાનાં કુટુંબને મળવા જઈ શક્યાં. એ માટે તેઓ સંસ્થાનો અને તેના કાર્યકરોનો ખૂબ આભાર માને છે. કેમ કે તેઓ ના હોત તો પાસપોર્ટ મેળવવો લગભગ અશક્ય બની જાત.
        પોતાની કોમ અને પોતાના જ વિસ્તારના લોકો સાથે કામ કરવું ઘણું અઘરું હોય છે. ખાસ કરીને જ્યારે તે કામ સાથે પૈસા જોડાયેલા હોય. પણ, લાલકોરબા આ કસોટીમાંથી સાંગોપાંગ પાર ઉતર્યાં છે.તેઓ પોતાની દેરાણી કે ભત્રીજીનાં ખરાબ ભરતના પૈસા એક પણ ક્ષણ વિચાર્યા વિના કાપી લે છે.યોગ્ય ના લાગે તો તેમને કામ ના પણ આપે કે ના તો સંસ્થાને એમ કરવાની ફરજ પાડે. એટલે જ આખાં લખપતમાં તેમનું ખૂબ જ માન છે. ગામનાં અન્ય બહેનો તથા લખપતનાં ૧૫ ગામો લાલકોરબાને લીધે જ સંસ્થા સાથે જોડાયાં છે. હવે તો તેઓ જરૂર પડે ગામોમાં રાત પણ રોકાય છે. આશાપરની બહેનોના ઘરના લોકો લાલકોરબા સાથે હોય છે એટલે જ પોતાની બહેનોને ગમે ત્યાં જવા આપે છે.
        લાલકોરબા કોઈથી ગભરાતાં નથી. લોકો શું કહેશે? તેવું વિચારતાં નથી.પોતાનાં વિધવા દેરાણીને આંગણવાડી સંભાળવા તૈયાર કર્યાં છે. તેઓ માને છે કે :"બારે નીકળીને કાંઈ ખરાબ ના થાય. આપણામાં તાકાત હોવી જોઈએ.સમાજનો સામનો તો કરવો પડે." એક સમય હતો જ્યારે તેમને કોઇ પૈસા ઉધાર આપવા તૈયાર નહોતું. હવે લાલકોરબા પાસે લોકો પૈસા ઉધાર લેવા આવે છે.તેઓની ખાસિયત છે કે કોઇ કામને નાનું ન ગણવું.
એટલે જ ગામનાં આગેવાન હોવા છતાં તેઓ સંસ્થાના કાર્યકરના સ્તરનું કામ કરી લે છે. તેમને કચ્છ કૌશલ્યા પારિતોષિક પણ મળેલું છે. એટલું જ નહીં, કચ્છ મહિલા વિકાસ સંગઠનના હસ્તકલા યુનિટ કસબ સાથે લાલકોરબાનો એવો તો દિલનો નાતો છે કે કસબની કારોબારીમાં તેમને ગામની બહેનોએ પસંદ કર્યાં છે.

        લાલકોરબામાં પણ ઘણાં દૂષણો,વ્યસનો હતાં. તેની સાથે લડીને અને સંસ્થાના કાર્યકરોના ટેકાથી તેમાંથી તેઓ બહાર આવી ગયાં છે.પોતે તો આગળ વધ્યાં જ,સાથે બીજાં બહેનોને પણ આગળ લાવવામાં તેમનો મોટો ફાળો છે.
('કચ્છમિત્ર' દૈનિકમાં 'સાફલ્યગાથા' કોલમ તરીકે પ્રકાશિત)




Wednesday, October 1, 2014

આવકાર

દર્દનો અણસાર આંખનો આઈનો કાગળે

તર્યા કૂંણા છોડ થઈ પ્રશ્નો શબ્દમાં કાગળે
ભર્યા સૂણાં મોડ લઈ ઉતર્યા આભલા કાગળે
ફરે સંગે જોડ થઈને જાગે તારલા કાગળે
હાર્યા હાંફી પતંગિયા જાણ પગલાં કાગળે
નૌકા મારી હાંકવાને કુંવર કાનજી કાગળે
------રેખા શુક્લ

તડપાવે જિંદગી ,તોય માંગી જિંદગી

બધુજ તુજ થી, વ્હાલે માંગિ જિંદગી

આર્ટ-હાર્ટ જિંદગી, તોય ગ્રે જિંદગી
ગીત-નૄત્ય કાવ્ય, તાલ ફૂંકે જિંદગી

પરપોટો દુઃખાડે, જીવ ફોડી જિંદગી
ફુલ ફોરમ પાંખડી, અશ્રુભીની જિંદગી
---રેખા શુક્લ

કેમ કહું કે મુલાકાત નથી થતી રે

રોજ મળીયે છીએ ને વાત નથી થતી રે

ચુપ કહુ અશ્રુ ને કે તારી યાદ વરસે રે
શું તારી આંખો થી પણ બરસાત નથી થતી રે

આહટ ક્યા જોવે છે અરિસો કદિયે  રે
દિલ મા આવન-જાવન મોટી વાત રે

જ્યારે મળે ત્યારે પૂછે છે કેમ છો રે 
એનાથી વધુ તો કોઈ વાત નથી થતી રે
---રેખા શુક્લ

આવકાર

અન્ય મિત્રોની રચનાઓને આવકાર છે અહીં..

તમારી રચનાઓ અહી મોકલશો.

uttudholakia@gmail.com

બત્રીસ કોઠે હાસ્ય : અનાયાસ હાસ્ય..


હાસ્ય પ્રયત્નપૂર્વક ઉપજાવવું પડે ત્યારે હસવું ન આવે. હાસ્ય જ્યારે સ્વયંભૂ નીપજી આવે ત્યારે હસવું રોકાય નહિ. કમનસીબે બીજા પ્રકારના હાસ્યલેખકોની સંખ્યા સતત ઘટતી રહી છે. આવું લખનારને શ્લેષવાળી સસ્તી શબ્દરમત, પત્નીનાં પાત્રને ઉતારી પાડવું, પોતાની જાતને મૂર્ખ અને ડફોળ ચીતરીને જાતની ખીલ્લી ઉડાડવી જેવી બાલીશ વસ્તુઓ નથી કરવી પડતી. ઉર્વીશ કોઠારી લિખિત 'બત્રીસ કોઠે હાસ્ય', બીજા પ્રકારમાં આવે છે. 
ઉર્વીશ કોઠારી
          આપણી રોજબરોજની જિંદગી મોટેભાગે સામાન્ય અથવા રૂટીન હોય છે. પણ ઉર્વીશભાઈ તેમાંથી અસામાન્ય હાસ્ય નીપજાવી શકે છે. આ પુસ્તકમાંના ૩૪ લેખ તેની સાબિતી છે. પાણીપૂરી ના ખાધી હોય એવી વ્યક્તિઓ આંગળીને વેઢે ગણાય તેટલી હશે. ઘરમાં ઘૂસી ગયેલો ઉંદર પકડવાની કોશિશ કરી હોય તેવા ઢગલાબંધ વ્યક્તિઓ મળશે. બેસણાંમાં પણ આપણામાંથી દરેક વ્યક્તિ ગઈ જ હશે. શિયાળાની કડકડતી ઠંડીમાં સવારે ફરવા જનારા પણ આપણામાંથી  મળી જશે. હોટેલમાંથી પાર્સલરૂપે જમવાનું ઘરે મંગાવનારા લોકોમાં આપણે પણ આવી જતા હોઈશું.
       બસ, આવા જ સાવ સામાન્ય અને ઘરેલુ કહી શકાય તેવા વિષયોમાં ઉર્વીશભાઈએ હાસ્ય પૂરીને, તેને અસામાન્ય બનાવ્યા છે. એટલી હદે કે વાચકને પોતાના જ જીવનની એ વાત છે એવું લાગે. લેખની ઘટનાને તાદૃશ (વિઝ્યુલાઈઝ) અનુભવી શકાય એટલી તેમાં જીવંતતા છે.
       શીર્ષક પણ ખૂબ આગવાં કહી શકાય તેવાં છે. માત્ર અનુક્રમણિકા જોવા જ પુસ્તક હાથમાં લીધું હોય અને આખું વાંચવું પડે તેવી ઉત્કંઠા ઉભી કરવામાં શીર્ષકો સફળ રહ્યાં છે. તેમાં ઉપયોગમાં લીધેલા શબ્દો ખૂબ જાણીતા હોવાનો ખ્યાલ આપે. થોડાં ઉદાહરણ :
એન્ટર,સ્પેસ,કંટ્રોલ, ગીત ગાયા મચ્છરોને, લસ્સી જૈસી કોઈ નહિ, જૂતાં તમારાં ઉતારો હો રાજ, રેઇનકોટ : ફિર ભી રહેગી નિશાનિયાં..
       આવાં સ-રસ શીર્ષકોથી શરૂ થતો દરેક લેખ વાચકને એકલાંએકલાં, આયાસ વિના સહજપણે હસાવી શકવાની શક્તિ ધરાવે છે. લેખની ભાષા, ઉદાહરણ, કટાક્ષ, વર્ણન, સરખામણી, જીવંતતા તો તેને વાંચીને માણવાથી જ અનુભવી શકાય. છતાં, થોડો આસ્વાદ એનો પણ.
       -  બેઠાં બેઠાં ઊંઘાય? આવો સવાલ ઓફિસમાં પૂછવામાં જોખમ છે. બોસ આ સવાલ અને તેના પૂછનારની સામે ઘૂરકિયું કરીને કહેશે, આ ઇન્ક્વાયરી છે કે પરમિશન? ઇન્ક્વાયરી હોય તો કહેવાનું કે હા, મારાથી ઊંઘાય. અને પરમિશન હોય તો, સોરી, તમારાથી ના ઊંઘાય.
       - આ સંવાદ સાંભળીને, ઘરમાં બેઠેલા ચંપલચતુર કે બૂટબહાદુરને ધરતી મારગ આપે તો તેમાં સમાઈ જવાનું નહિ, પણ તેમાં પોતાના બૂટ-ચંપલ સંતાડી દેવાનું મન થઇ જાય છે.
- જીવદયાપ્રેમીઓ મનુષ્ય સિવાયના કોઈ પણ જીવ ઉપર દયાનાં ડબલાં ઢોળવા તત્પર હોય, એવા કપરા સમયમાં ઉંદરને જીવતો પકડવાનું પરાક્રમ, કેટલીક યુનિવર્સીટીઓના પોસ્ટલ કોર્સની જેમ ઘર બેઠે પાર પાડી શકાય છે. તેમાં કાયદો નડતો નથી અને સમાજ આડે આવતો નથી.
- શટલનો સંબંધ વાહનના બાહ્ય સ્વરૂપ સાથે નથી. એ સ્ટેટ ઓફ માઈન્ડ છે. કોઈ પણ વાહન તેના ડ્રાઈવરની ઈચ્છા વિરુદ્ધ શટલ બની શકતું નથી અને ડ્રાઈવર ઈચ્છે તો કોઈ પણ વાહનને શટલ બનાવી શકે છે.
       સાદી કોથળીનો પણ બોમ્બ જેવો ઉપયોગ થઇ શકે છે તેની સાબિતી અહી મળે છે. મોર્નિગવોક કરનારાઓની માનસિકતા અને તેમના ઘરના સભ્યોની વિચારધારા ખૂબ સરસ રીતે વ્યક્ત થઇ છે. સાથે, મોર્નિગવોક કરનારાઓની પરિસ્થિતિનું વર્ણન આપણને એ બગીચામાં સદેહે હોવાની અનુભૂતિ કરાવે છે. ટપોરીલોગ ઉપરનો અભ્યાસ ખડખડાટ હસવા માટે શબ્દશઃ મજબૂર કરે છે.
        મોટે ભાગે પુસ્તકની શરૂઆતમાં પ્રસ્તાવના હોય. પણ અહી પસ્તાવાના છે. એ શબ્દની ચોખવટ પણ લેખક તરીકે ઉર્વીશભાઈએ તેની નીચે જ પહેલાં વાક્યમાં કરી છે. પણ એક વાચક તરીકે તો હું એટલું જ કહીશ કે જે આ પુસ્તક ના વાંચે એ પસ્તાવાના....
ઉર્વીશભાઈનાં અન્ય લખાણની મજા માણવા માટે તેમના બ્લોગની મુલાકાત અચૂક લેવી... આ રહી તેની લિંક. 
http://urvishkothari-gujarati.blogspot.in/