Tuesday, March 29, 2016

સલામતીનો સવાલ


મહિલાઓની સલામતીની વાત આવે એટલે જાતજાતની ચર્ચા શરૂ થઇ જાય. કેટલાય મત આવી જાય. કેટલીયે યોજનાઓની વાત સામે મૂકવામાં આવે. પણ હકીકત એ છે કે મહિલાઓની સલામતી માત્ર આવી ચર્ચાઓમાં અને અભિપ્રાયોમાં જ બંધાઈ ગઈ છે. પણ જયારે બહેનો સાથે રૂબરૂ વાત થાય ત્યારે એ અહેસાસ થાય કે એક પણ જગ્યા બહેનો માટે સલામત નથી. તે નોકરી કરતી હોય, ગૃહિણી હોય, વિદ્યાર્થિની હોય, ગામ કે શહેરમાં રહેતી બહેન કે પછી સરપંચ હોય. દરેકને એ મહેસૂસ થાય છે કે એ કોઈ જગ્યાએ સલામત નથી.
અસલામતી તો એટલી બધી છે કે માતાનો ગર્ભ પણ અસલામત છે. આવી વાત કહેતી બહેનો અસલામત જગ્યાઓની આખી યાદી બનાવે નાખે છે. ત્યારે એવું લાગે કે ખરેખર આ આખી દુનિયામાં સ્ત્રીઓ માટે સલામત હોય એવી કોઈ જગ્યા નથી. આ અતિશયોક્તિ નથી, પણ કમનસીબે વાસ્તવિકતા છે. આપણા કચ્છ જિલ્લાની બહેનોના મોઢેથી સાંભળેલા તેમના અનુભવો છે.
કહેવાય છે કે ધરતીનો છેડો ઘર. પણ ઘણી બધી બહેનો માટે ઘર પણ સલામત નથી. પિતા, પતિ, પુત્ર, ભાઈ, સસરા, દિયર, જેઠ.. કોઈ પણ સંબંધ હોય, કેટલીયે મહિલાઓને અગણિત કડવા અનુભવો થાય છે. તેઓ બહુ ઓછા શબ્દોમાં આ વાત કહી શકે છે, કેમ કે પોતાનાં ઘરની “આવી” વાત કેમ કહેવી? એ તો સહન જ કરવી પડે ને?
“ઘરની બહાર નીકળીએ તો રસ્તોય ક્યાં સલામત છે? હું તો રીક્ષા કરવાને બદલે પગે જ જાઉં બધે હોં.” કહેતી બહેન આગળ ઉમેરે છે કે એટલે રોજ દસેક કિલોમીટર તો હાલવું જ પડે. એટલે બીજી બહેન ઉમેરે છે : રીક્ષાની ક્યાં વાત કરે છે? બસ કે કોઈ પણ વાહન ક્યાં સલામત છે આપણા માટે? દારૂડિયા લોકો ચડે. તેમના અને બીજાના અણગમતા સ્પર્શનો અનુભવ તો રોજ હોય. અરે, ડ્રાઈવર અરીસામાંથી ઈશારા કરે એવુંયે બને છે. જાતે વાહન ચલાવીએ તો જાણીજોઇને નજીકથી વાહન ચલાવનારાયે છે અને પીછો કરનારા પણ છે. બસમાં અપડાઉન કરવામાં તો રોજની તકલીફો છે. નવી જોડાયેલી શિક્ષિકાને આઠમા-નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ હેરાન કરે તેવા પણ અનુભવ હતા.  
એટલે કોઈ પણ નોકરી કરતી બહેનોય અસલામતી અનુભવે છે. પછી એ આશાવર્કર હોય કે આચાર્યા. સૂના વિસ્તારોમાં રસીકરણ માટે જતી આશાવર્કરને અસલામતી લાગે છે અને ઘરકામ માટે જતી બહેનોને પણ ડર લાગે છે. નર્સની કામગીરી કરતી બહેનોને લાગે છે કે રાતની ડ્યુટી તેમના માટે સલામત નથી. કંપનીમાં કામ કરતી બહેનોને પણ અસલામતી લાગે છે. અરે, સરપંચ બહેનોને પણ ઘણા પુરુષ અધિકારીઓથી કડવા અનુભવ થાય છે.
પેટીયું રળવા કચ્છ બહારથી આવેલી બહેનોને તો વળી આર્થિક અસલામતી પણ લાગે છે. આખો મહિનો કામ કરીને વળતર ના આપ્યું હોય તેવી ઘટનાઓ પણ છે. દારૂડિયા પતિની મારપીટ તો રોજની હોય છે. ફાઈબરના કાચાં મકાનોમાં રહેતી બહેનો સતત એ ફડકા સાથે જીવે છે કે એક લાતથી ખુલ્લાં થઇ જતાં મકાનમાં કઈ પણ થઇ શકે છે. અન્ય રાજ્યોમાંથી પરણીને આવેલી બહેનો ઘરમાં સલામતી નથી અનુભવતી. અજાણી ભાષા, અજાણ્યો વિસ્તાર, અજાણ્યા લોકો... એક બહેન હિન્દીમાં કહે છે કે અમારું શોષણ તો ઘરના પુરુષ સભ્યો જ કરે છે. કારણ કે તેમને ખ્યાલ છે કે અહી આનું કોઈ નથી. કોણ મદદ કરશે એને અને એ જશે પણ ક્યાં?
અલબત્ત, સંવેદનશીલ પુરુષો પણ છે, બસ, તેમની સંખ્યા ઓછી છે. કુટુંબનો સાથ મળે છે એવી બહેનોને અન્ય લોકોથી અસલામતીનો અનુભવ થાય છે. દરેક બહેનનો એક જ સૂર હતો કે આ સમાજમાં થોડી સમજ આવે, બહેનો માટે તેની દ્રષ્ટિ બદલાય તો સારું.. અને આ સમાજ એટલે તો કોણ? આપણે જ.

(કચ્છમિત્રમાં તા. ૨૪-૩-૨૦૧૬ના પ્રકાશિત)

Tuesday, March 15, 2016

જાતીય સતામણી એ સ્ત્રીના માનવ અધિકારનું હનન

ગઈ કાલે પુરુષોનાં વલણ અને વર્તનમાં બદલાવ માટેનાં સૂચનો વિષે વાત કરી. આજે કરીએ તે વાતને પૂરક એવી મહિલાઓનાં વર્તન-વલણના બદલાવ વિષેની ચર્ચા.
પ્રથમ વાત તો એ જ કે મહિલાઓએ જાતીય સતામણીને ઓળખવી જરૂરી છે. અસ્વસ્થ, અપમાનિત અથવા ભયભીત બનાવતો કોઈ પણ વ્યવહાર જાતીય સતામણી છે. સામેવાળી વ્યક્તિના ઈરાદા કરતાં, મહિલા શું અનુભવે છે એ વધારે મહત્વનુ છે. જો કોઈ મહિલાને આવી કોઈ પણ પ્રકારની સતામણીનો અનુભવ થાય, તો તેનો વિરોધ કરવાનો તેને અધિકાર છે.  
એક એવી ગેરસમજ છે કે સ્ત્રીની ‘ના’ એટલે ખરેખર ‘હા’ હોય છે. પણ એ વાત બિલકુલ સાચી નથી. સ્ત્રીની ‘ના’ એ ‘ના’ જ હોય છે. જે બાબત અણગમતી હોય તેના માટે દરેક સ્ત્રીએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં ના કહેવી જ જોઈએ. મને આ પસંદ નથી” અથવા “રોકાઈ જાવ”. આ વાક્યોને જોરપૂર્વક બોલીને તરત જ પોતાનો વિરોધ કે અણગમો બતાવી દેવાં.
એવું બનતું હોય છે કે એકાદ મહિલા કે કિશોરીને જાતીય સતામણીનો અનુભવ થાય એટલે તેમનાં બહાર જવા ઉપર યા તો બંધન આવી જાય છે અથવા સમય નક્કી થઇ જાય છે. રાતે તો બહાર જવાનું બિલકુલ બંધ ! પણ આવું કરવાને બદલે બહેનોએ સતર્ક અને આત્મવિશ્વાસુ બનવાની જરૂર છે. આવી સતામણી થાય ત્યારે શાંત રહીને તે વ્યક્તિ સામે નજર મેળવી અને દ્રઢતાથી સ્પષ્ટ શબ્દોમાં પોતાની વાત કહેવી. જેથી સામેની વ્યક્તિને સ્પષ્ટ સંદેશ મળે કે આ મહિલા સતર્ક છે અને આ જગ્યા પર રહેવાનો એને પણ એટલો જ અધિકાર છે.
મિત્રો અને સહયોગીઓનો સાથ સતામણી છતી કરવામાં મદદગાર સાબિત થાય છે. ઉપરાંત, એક મહિલા તરીકે જો તમારી હાજરીમાં કોઈની સતામણી  થતી હોય તો તેને મદદ કરવા તથા પ્રતિક્રિયા માટે તૈયાર રહેવું જોઈએ.
જાતીય સતામણીની ઘટના બને તો પોલીસને તેની ફરિયાદ નોંધાવવી ખૂબ જ જરૂરી છે. જાતીય સતામણી એક ગંભીર ગુનો છે, જેને નજર અંદાજ ન કરવો જોઈએ. તે એક મહિલાનું અપમાન તો છે જ, સાથે માનવ અધિકારનું પણ હનન છે. આવી ઘટના કોઈની પણ સાથે બને, તેની જાણ યોગ્ય અધિકારીઓને તરત કરવી જ જોઈએ.
જાતીય સતામણી માટે મહિલાએ ક્યારેય પોતાની જાતને દોષી ના માનવી જોઈએ. એ પુરુષો દ્વારા મહિલાઓ પર સત્તા અને મર્દાનગી અભિવ્યક્ત કરવા માટેનું માધ્યમ છે. એ વાત ખાસ યાદ રાખવી કે કપડાં અથવા તો રહેણી-કહેણી કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય વર્તાવ અથવા તો સતામણીને આમંત્રણ આપતા નથી.
મહિલાઓ આ સૂચનોને ધ્યાનમાં લઈને પોતાનું વર્તન બદલાવે તો તેમને તો વ્યક્તિગત ફાયદો થશે જ. સાથે, બીજા સંવેદનશીલ લોકોનો સાથ પણ મળી શકશે. જે જાતીય સતામણીના કિસ્સાઓ ઘટાડવામાં મદદરૂપ બની શકે. સ્વસ્થ વિચારસરણી ધરાવતાં સ્ત્રી-પુરુષો જ સાથે મળીને આ સમાજને તંદુરસ્ત અને મહિલાહિંસામુક્ત બનાવશે તેમાં બેમત નથી.

 (કચ્છમિત્રમાં તા. ૧૨-૩-૨૦૧૬ના પ્રકાશિત)


મહિલાઓની સતામણી એ મર્દાનગીનો પૂરાવો નથી

આપણી સમજ, સંવેદના, અભ્યાસ, અનુભવ એ બધી બાબતો આપણને એક સુસંસ્કૃત માનવ તરીકેની ઓળખ આપે છે. પણ આ બધું હોય છતાં, આપણી ઓળખ ખોટી ઉભી થાય એવું બને. એ માટે કારણરૂપ છે આપણું વર્તન. ઉપરની બધી બાબતોને આપણું વર્તન જ યોગ્ય અથવા નકામી ઠેરવે છે. જ્યાં સુધી કોઈ બાબતમાં વર્તનમાં ના આવે ત્યાં સુધી એ ગમે તેટલી આદર્શ અથવા સારી હોય, વાસ્તવિક નથી બનતી. 
આજે વાત કરવી છે પુરુષ અને સ્ત્રીનાં પરસ્પર સાથેનાં વર્તનની. મોટેભાગે તો આપણે સહુ જાણેઅજાણે સમાજ જેમ ઈચ્છતો હોય છે એમ જ વર્તન કરતાં હોઈએ છીએ. એની અસરને લીધે પૂર્વગ્રહ, પૂર્વધારણાઓ અને ના જાણે શું શું પરિણામ આવે છે. એના કરતાં થોડું વિચારીને વર્તન કરવામાં આવે તો ઘણા પ્રશ્નો ઉભા થતાં અટકી શકે.
ઘણી વાર પુરુષો મિત્રવર્તુળમાં પોતાની સ્વીકૃતિ અને મહત્વ બતાવવા મર્દાનગીનું દંભી પ્રદર્શન કરતા હોય છે. આ પ્રકારનો વ્યવહાર બિલકુલ અયોગ્ય છે. પુરુષોએ પોતાના શબ્દો અને વર્તન પર ધ્યાન આપવાની સાથે તેને સન્માનજનક બનાવવા જોઈએ.
મહિલાઓને જોર-જબરદસ્તી, જરૂરથી વધારે મિત્રતા અને બિનજરૂરી આત્મીયતાની કોશિશ પસંદ નથી હોતી. એટલે એવું બિલકુલ ના માની લેવું કે તેમને આવું વર્તન ગમે છે. મહિલાવિરોધી ભાષા, ગાળો, અભદ્ર બોલીથી દૂર રહેવું. આવી ભાષાનો ઉપયોગ મહિલાઓને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકી દે છે. મહિલામિત્ર હોય કે મહિલા સહકર્મચારી, તેમને માન આપવું કેમ કે અનાદર તંદુરસ્ત સંબંધ માટે જોખમી છે.
આસપાસ થતા સંભવિત જાતીય સતામણીના બનાવો પ્રત્યે સતર્ક અને મદદ માટે તૈયાર રહેવું જોઈએ. ઘણી વાર આવી સતર્કતા મહિલાને મોટી દુર્ઘટનાથી બચાવે છે. ક્યારેક તો એવું બને છે કે હાજરીમાત્ર અથવા થોડો મોટો અવાજ પણ શોષણખોરને પીછેહઠ કરવા ફરજ પાડે છે.
એવું તો ક્યારેય ભૂલથી પણ ના વિચારવું કે યુવતીઓને છેડછાડ પસંદ હોય છે. આ એક બહુ મોટાપાયે ફેલાયેલી ગેરમાન્યતા છે. એ સમજવું બહુ જરૂરી છે કે જાતીય સતામણી એક ગંભીર ગુનો છે, જે નજરઅંદાજ ન કરી શકાય. ફિલ્મો કે ટીવી ધારાવાહિકોમાં બતાવવામાં આવતાં સતામણીના દ્રશ્યો પણ મહિલાઓને અસુરક્ષિત અને અસલામતીનો અનુભવ કરાવે છે.
યુવતીઓ પોતાની ઈચ્છા પ્રમાણે કપડાં પહેરે તો તેની સતામણી વધી જાય છે. એવું માનવામાં આવે છે કે ટૂંકા કે આધુનિક કપડાં પહેરતી યુવતી “ચાલુ” અથવા “બોલ્ડ” છે. પણ એ માન્યતા સાવ પાયાવિહીન છે. કપડાં એ પસંદગીનું પ્રતિબિંબ છે, નહિ કે વર્તન અને વલણનું. પુરુષ હોય કે મહિલા બન્નેને પોતાની મરજી પ્રમાણે કપડાં પહેરવાનો હક છે. શક્ય છે કે કોઈ યુવતીનાં કપડાં કોઈને પસંદ ન આવે પણ તે બાબત ગુસ્સો કે અવગણનાનો અધિકાર નથી આપતી.
 જાતીય સતામણી કોઈ મજાક નથી. આ એક અનિચ્છનીય અને આક્રમક સત્તાનું પ્રદર્શન છે. જે મહિલાઓના આત્મવિશ્વાસને ડગમગાવે છે. એટલું જ નહિ, તેને ગુસ્સો અને નારાજગીનો અનુભવ કરાવે છે. મહિલાઓની સતામણી એ મર્દાનગીનો પૂરાવો નથી. યુવતીઓને એક સાથી અને મિત્રની જરૂર હોય છે, નહિ કે આક્રમક અને તેની ગરિમાને નુકસાન પહોંચાડનાર શોષકોની. ભીડની માન્યતા સાથે ચાલી શોષક બનવું એ સાચું લાગી શકે, પણ આ માન્યતાથી અલગ વર્તન પુરુષોને સન્માન અપાવે છે. આશા છે કે આ સૂચનો મહિલાઓ માટે સ્વસ્થ અને સલામત વાતાવરણ ઉભું કરશે. કાલે વાત કરીશું બહેનોની એમાં ભાગીદારીની...

 (કચ્છમિત્રમાં તા. ૧૧-૩-૨૦૧૬ના પ્રકાશિત)

મહિલાઓની રોજિંદી હાલત તરફ કોનું ધ્યાન જાય છે?


બે દિવસ પહેલાં ગયેલા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ઘણી બધી સફળ મહિલાઓની વાત જાણી હશે. તેમનો સંઘર્ષ અને તેના પછી મેળવેલી સરસ સફળતાની વાત.
સમાજમાં બહેનોની પરિસ્થિતિ વિષે હકારાત્મક બાબતો બહાર આવે તે એક પ્રેરણાદાયી વાત છે. વર્ષમાં એક દિવસ આવી વાતો કરવી સારી લાગે છે. તકલીફ બાકીના ૩૬૪ દિવસની છે. મહિલાઓ સાથે થતી જાતીય સતામણીના કિસ્સા રોજેરોજ વધે છે. મહિલાઓનાં અપમૃત્યુનો આંકડો પણ ઓછો નથી થતો. મહિલાઓની રોજેરોજની વાત આ એક દિવસની ઉજવણીથી ખૂબ અલગ હોય છે. અને કરુણતા એ છે કે માત્ર મોટી ઉમરની બહેનો જ નહિ, કિશોરીઓ પણ નાની ઉમરથી સ્ત્રી હોવાની કીમત ચૂકવે છે.
એક અભ્યાસના ભાગરૂપે ભુજનાં ૨૬૫ કિશોર-કિશોરીઓ સાથે વાત કરવાની તક મળી. એમણે પોતાના અંગત અનુભવો બહુ નિખાલસ રીતે વ્યક્ત કર્યા. કિશોરીઓને પણ માત્ર જાતીય સતામણી જ નહિ, બીજી જાતજાતની સતામણી સહન કરવી પડે છે, જેને જાણીને ચોંકી જવાની સાથે દુઃખની લાગણી પણ થાય. જેમ કે : “ હું એક છોકરી છું, તો મને પતંગ ઉડાડવા પણ ના મળે?” આવો સવાલ કરનારી કિશોરીની કેટલી નાનકડી ઈચ્છા, જે આખરે અફસોસમાં બદલાઈ જાય ! એક છોકરીનાં માતાપિતાને કુટુંબથી અલગ રહેવું પડે છે. કેમ કે તેઓ પોતાની દીકરીને ભણાવવા માગે છે અને કુટુંબના વડીલ એવા દાદા તેની વિરુદ્ધ છે.
ભણવા માટે પોતાનાં ગામમાંથી ભુજ આવવા અપડાઉન કરતી કિશોરીઓની વાત તો વળી અલગ જ છે. તેમને તો શું ને શું સહન કરવું પડે છે ! એક છોકરીને એ પ્રશ્ન છે કે બસને લીધે ક્યારેક મોડી આવે તો લોકો વાતો કરે છે કે આવડી મોડી આવી તો જરૂર કોઈ સાથે ”ચક્કર” હશે ! કોઈ આવી ટીકા સહન કરે છે તો કોઈને રોજ બસમાં પુરુષોનો અણગમતો સ્પર્શ સહન કરવો પડે છે. આ જ અભ્યાસમાં જયારે કિશોરો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે ઘણા છોકરાઓ એ બસમાં જાય, જેમાં છોકરીઓ વધુ હોય. ભલે ને તે બસ ગમે તે ગામની હોય !
અપડાઉન એ કોઈ છોકરીની કારકિર્દીનો ભોગ પણ લઇ લે છે. એક છોકરી તેની વાત કરતાં કહે છે કે મારી કોઈ મિત્ર ભુજ ભણવા નહોતી આવતી. તો મારાં કુટુંબના સભ્યોએ મને પણ ભુજ જવા દેવાની ના પડી દીધી. એકલી છોકરીને ભુજ કેમ મોકલાય? મારે તો એન્જિનિયર બનવું હતું પણ શું થાય? ગામમાં જેટલાં ધોરણ છે એટલું ભણીને સંતોષ માનવો પડશે.
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો એ પણ છોકરીઓ માટે તો જાણે કે ગુનો જ છે. એક છોકરી પોતાનો અનુભવ કહે છે કે છોકરાઓ વોટ્સએપ કે સોશિયલ સાઈટ્સ ઉપર રાતે મોડે સુધી ઓનલાઈન રહે તો કોઈ નોંધે પણ નહિ. જયારે એ જ બાબત છોકરીઓ માટે શંકાનું કારણ બને છે. છોકરી થઈને આટલે મોડે સુધી ઓનલાઈન !!
તો આ છે પરિસ્થિતિ. પસંદગીનાં કપડાની વાત હોય કે પસંદગીની ડીગ્રીની વાત, રાતે બહાર જવાની વાત હોય, અન્ય સ્થળે ભણવાની વાત કે પછી સોશિયલ મીડિયાનો ઉપયોગ - છોકરીઓને ના તો પસંદગી કરવા મળે છે કે ના તો નિર્ણય કરવા મળે છે. અને આ બધી બાબતો એટલી સ્વાભાવિક રીતે તેમની જીંદગીમાં વણાઈ ગઈ છે કે તે ખોટું છે એવો અહેસાસ જ નથી થતો. અને જ્યારે અહેસાસ મરી જાય ત્યારે વ્યક્તિનું માનવપણું પણ સાથે મરી જાય છે. અને સાચી તો વાત છે, આપણે સ્ત્રીને “નારાયણી” માનીએ છીએ પણ એ સહુથી પહેલાં એક માનવ છે એ સહજતાથી ભૂલી જઈએ છીએ.

            
      કચ્છમિત્રમાં તા. ૧૦-૩-૨૦૧૬ના પ્રકાશિત)

Wednesday, March 9, 2016

સલામત શહેરની તરફ....

આપણે જે શહેર કે ગામમાં રહેતાં હોઈએ તે આપણને ખૂબ પ્રિય હોય છે. તેના વિષે કોઈ કંઈ ઘસાતું બોલે તો આપણે તરત જ બચાવમાં ઉતરી જઈએ છીએ. પણ આ લાગણીને જરા બાજુ ઉપર મૂકીને માત્ર એક પ્રશ્ન વિષે શાંતિથી અને તટસ્થતાથી વિચારીએ. “શું મારું શહેર/ગામ કિશોરીઓ અને મહિલાઓ માટે સલામત છે ખરું?”
જવાબમાં “ના” મળે તો આઘાત લાગે ને? પણ આ વરવી વાસ્તવિકતા છે કે એક પણ ગામ કે શહેર કિશોરીઓ અને મહિલાઓ માટે સલામત નથી. એના અગણિત દાખલાઓ સમૂહ માધ્યમો દ્વારા જાહેરમાં આવે છે. બદનામીના ડરને લીધે બહાર ના આવતા હોય એવા કિસ્સાઓ તો અલગ.
જો આપણે આપણા વતનને સાચાં દિલથી પ્રેમ કરતાં હોઈએ તો તેના નાગરિક તરીકે આપણી જવાબદારી બને છે કે તેને સલામત શહેર/ગામ બનાવીએ. એના માટે સૈનિક કે પોલીસ બનવાની જરૂર નથી. એક સામાન્ય નાગરિક તરીકે પણ આપણે ઘણું કરી શકીએ છીએ તેમ છે. અહી એવી બાબતો મૂકવાનો પ્રયત્ન કર્યો છે, જેનો અમલ કરવામાં આવે તો કિશોરીઓ અને બહેનોની સલામતી જાળવી શકાય.
સમજવું બહુ અગત્યનું છે કે લિંગ આધારીત હિંસાના વિવિધ સ્વરૂપો મહિલાઓને શહેર પરનો એક નાગરિક તરીકેનો અધિકાર મેળવવામાં અડચણરૂપ થાય છે. જેમાં જાહેર જગ્યાઓમાં મુક્તપણે હરવું-ફરવું મહત્વનું પ્રથમ પગથીયું છે. એટલે કે બગીચા, બજાર, મુખ્ય રસ્તાઓ ઉપર બહેનો મુક્ત રીતે હરીફરી શકે છે કે નહિ એ ચકાસવું પડે. માત્ર દિવસે જ નહિ, મોડી સાંજ કે રાતનો સમય પણ તેમને ત્યાં ફરવા માટે અનુકૂળ રહે છે કે નહિ તે પણ જોવું પડે. ઘણી વાર એવું બને છે કે આવી ભીડભાડવાળી જગ્યાઓએ સીટી મારીને, અભદ્ર કમેન્ટ કરીને, શરીરના અમુક ભાગોએ જાણીજોઈને સ્પર્શ કરીને બહેનો સાથે છેડછાડ કરવામાં આવે છે.
આવી જાહેર જગ્યાઓને મહિલાઓ માટે સંવેદનશીલ અને સલામત બનાવવા માટે મહિલાઓ, સ્થાનીય શાસન અને મહિલાઓના મુદ્દે કામ કરતાં જૂથોની એક-બીજા સાથેની ભાગીદારી જાહેર જગ્યાઓમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. શાળા-કોલેજ જેવાં સ્થળોએ પણ પોલીસની નજર હોવી જોઈએ. જેને લીધે રજા સમયે થતી ભીડમાં પણ કિશોરીઓ સલામત રહે.
 સ્ટ્રીટ સર્વે, જૂથ ચર્ચા, સલામતી ઓડીટ જેવાં અલગ અલગ માધ્યમથી વિવિધ વર્ગની મહિલાઓ અને કિશોરીઓના રોજીંદા અનુભવોને જાણી અને સમજી શકાય છે. લૈંગિક હિંસાની સચોટ, વિશ્વાસપાત્ર અને સ્થાનિક આંકડાકીય માહિતી મેળવવા માટેના આ ખૂબ અસરકારક માધ્યમ છે. માહિતીનું વિશ્લેષણ અને છણાવટ ભારપૂર્વક સાબિત કરે છે કે દરેક વ્યક્તિને જાહેર સ્થળો અને તે માટેની નિર્ણય-પ્રક્રિયામાં શામેલ થવાનો સંપૂર્ણ અધિકાર છે.
મહિલાઓ, યુવતીઓ અને અન્ય હિતધારકોમાં જાહેર સ્થળોએ હિંસા વિશે સમજ વિકસાવવી. આ મુદ્દે સ્ત્રીઓને પોતાના વિસ્તાર માટે આગેવાની લેવા પ્રેરિત કરવી. બજેટની યોગ્ય ફાળવણી માટે નીતિ-વિષયક હિમાયત કરી  સશક્ત કરવી. જેને લીધે બહેનોના અભિગમથી નાણાકીય ફાળવણી કરવામાં આવે.
બહેનોના સામુદાયિક સંગઠનો વચ્ચે ઇન્ટરનેટ અને મીટીંગોના માધ્યમથી શીખવાની અને ચિંતન કરવાની જગ્યા પૂરી પાડવાથી પ્રકારના કામોને વધુ અસરકારક બનાવી શકાય છે. બહેનો પોતાના અનુભવો વ્યક્ત કરતી થાય છે. પોતાની તકલીફોનો પોતે જ હલ શોધતી થાય છે. એટલું જ નહિ, માહિતીની તાકાતથી શાસનને પણ જવાબદાર બનાવે છે.
એક બાબત સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે કે મહિલાઓની સલામતી એ માત્ર મહિલાઓનો મુદ્દો નથી. એ દરેક સંવેદનશીલ નાગરિકનો મુદ્દો બંને એ અત્યંત જરૂરી છે. કેમ કે દરેક ઘરમાં મહિલા સભ્ય હોય જ છે.
સલામત શહેરની દિશામાં થયેલા પ્રયત્નો અને ટકાઉપણા માટે પ્રાપ્ત સફળતાને ટકાવી રાખવી, સતત સંપર્ક અને સંકલન, જ્ઞાનનું આદાન-પ્રદાન, વિચાર અને વલણમાં બદલાવ સતત અને સુપેરે ચાલુ રહે તે આવશ્યક છે.  
             (કચ્છમિત્રમાં તા. ૯-૩-૨૦૧૬ના પ્રકાશિત)

Tuesday, March 8, 2016

સ્નેહ-શાંતિના સાથે સલામતીની વાટે


પરિવર્તનનો પવન આજે ચારે દિશાઓમાં ફૂંકાઈ રહ્યો છે. કચ્છ પણ તેમાંથી બાકાત નથી. એકાદ દાયકા પછી જે કચ્છ આવતા હોય તેઓ આશ્ચર્યમાં પડી જાય છે કે આ એ જ કચ્છ છે ! મોટાં મકાનો અને દુકાનો, પહોળા રસ્તા, અઢળક કંપનીઓ, અન્ય રાજ્યોના રહેવાસીઓની મોટી સંખ્યા, આલિશાન સરકારી કચેરીઓ, પ્રવાસીઓ અને હોટેલ્સની વધી ગયેલી સંખ્યા અને બીજું કેટલુંય.
એની સાથે એ પણ એટલી જ વાસ્તવિકતા છે કે સિક્કાની બીજી બાજુની જેમ, આ જ પરિવર્તન સાથે નકારાત્મક પાસાં પણ જોડાયેલાં છે. વધતાં જતાં વ્યસનો, વધતા જતા ગુનાઓ, વધતી જતી હિંસા, હિંસાના બદલાતા પ્રકાર આ નકારાત્મક બાજુઓનું પ્રતિનિધિત્વ કરે છે.
આ બધી બાબતોની અસર ઘણા બધા વર્ગ ઉપર થાય છે. જેમાં સામાજિક, આર્થિક, તક અને સગવડોની દ્રષ્ટિએ વંચિત નાગરિકો આનો સહુથી વધુ ભોગ બને છે. તેમાં પણ મહિલાઓની સ્થિતિ વધુ કફોડી છે. કેમ કે તેઓ સામાજિક માળખાંમાં નીચેથી પણ નીચેના સ્તરે છે.
કચ્છમાં પણ મહિલાઓની આવી જ પરિસ્થિતિ છે. અલબત્ત, હકારાત્મક પરિવર્તન પણ છે, એ રાહતરૂપ બાબત છે. મહિલાઓ ઘરની બહાર નીકળીને કામ કરતી થઇ છે. દીકરીઓ ભણતી થઇ છે. પણ જેમ માળખાંકીય સગવડોને વિકાસ  કહેવાય કે કેમ, એ એક સવાલ છે. એ જ રીતે આવાં થોડાં-ઘણાં ઉદાહરણોને મહિલા સશક્તિકરણ ગણી શકાય કે કેમ એ પણ એક સવાલ છે.
એટલે જ હવે મહિલા સશક્તિકરણના અર્થમાં પણ પરિવર્તન લાવવાનો સમય પાકી ગયો છે. એ માટે સમાજ, સરકાર અને સંસ્થાઓ સાથે મળીને કદમ ઉઠાવે તો બહુ સરસ અને નક્કર પરિણામ પણ લાવી શકાય એમાં બેમત નથી. સંસ્થા એટલે માત્ર સ્વૈચ્છિક સંસ્થાઓ જ નહિ, શૈક્ષણિક સંસ્થાઓ પણ તેમાં સામેલ થાય. કેમ કે કિશોરીઓ અને યુવતીઓ પણ પોતાને સલામત અનુભવતી નથી એ હકીકત છે.
અત્યારે એવો સમય આવી ગયો છે કે મોટાભાગની મહિલાઓ એક પણ સ્થળે સલામતીનો અહેસાસ નથી કરતી, પછી તે કોઈ પણ ઉમરની હોય. તેમને અસલામતીનો અહેસાસ કરાવતી જગ્યાઓ પણ અનેક છે. શૈક્ષણિક સંસ્થાઓ, કામના સ્થળો, જાહેર રોડ, જાહેર વાહનો, જાહેર સ્થળો, સરકારી કચેરીઓ, ધાર્મિક સ્થળો, મનોરંજનના સ્થળો અને પોતાનું ઘર પણ.
એ પણ બહુ દુઃખદ કહેવાય તેવી વાત છે કે સ્વજન કહી શકાય તેવા પુરુષો જ નહિ, ઉપરી અધિકારી, શિક્ષક, ડ્રાયવર-કંડકટર, પોલીસ, સરકારી અધિકારીઓ, ધર્મગુરૂઓ, સાથી કર્મચારીઓ જેવા પરિચિત કે થોડા પરિચિત પુરુષો પણ જાતીય સતામણી કરતા હોય છે.
કદાચ આ બધું બહુ નિરાશાજનક કે નકારાત્મક લાગે. પણ કમનસીબે આ જ વાસ્તવિકતા છે. જેના કેટલાય જીવતા દાખલા આપણી આસપાસ જ જોવા મળે છે. પણ એ જોવા માટે માનવની સંવેદનશીલ આંખ અને હૃદય જોઈએ.
પણ હવે આશાનું એક કિરણ ફૂટ્યું છે. સરકારી તંત્રો, શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને કિશોરીઓ અને મહિલાઓની સલામતી વિષે કામગીરી શરૂ કરી રહ્યા છે. મહિલા સશક્તિકરણ એ કોઈ યોજના, પ્રોજેક્ટ કે ઉજવણીનો મુદ્દો ના હોઈ શકે કે નથી એ પુરુષોનો વિરોધ. મહિલાઓ પોતાની જિંદગીના દરેક નિર્ણયો લેતી થાય અને તેમાં પરિવારથી માંડીને આસપાસના વાતાવરણમાં તેની સાથે જોડાયેલા તમામ લોકો તેને સાથ આપે. આ માટે મહિલાઓએ પોતાના  વિચારો, અનુભવો, સપનાંઓની અભિવ્યક્તિ કરવી પડશે. તો જ સાચાં સશક્તિકરણ તરફની સફરની શરૂઆત થશે, જેમાં દરેકની સહભાગીદારી હશે.

એ વિષે સતત વિચાર અને સંવેદનશીલતા સાથે તેનું યોગ્ય અમલીકરણ થાય એ અનિવાર્ય છે. એટલું નહિ, આ અમલીકરણ થાય એ જવાબદારી માત્ર મહિલાઓની નથી. એ જવાબદારી તો દરેક સંવેદનશીલ વ્યક્તિની છે. જો આપણે આપણને સંવેદનશીલ વ્યક્તિ માનતાં હોઈએ તો.. સ્નેહ, શાંતિના સાથે સલામતી તરફ શરૂ થયેલી આ સફરના હમસફર બનવા આપ સહુને આમંત્રણ છે.
                                  ('કચ્છમિત્ર'માં ૮/૩/૧૬ના રોજ પ્રકાશિત) 

Wednesday, March 2, 2016

એને નારાયણી નહીં, નારી માનીએ તોય ઘણું !


                                                                      - બીરેન કોઠારી

ઈતિહાસમાં મધ્યયુગ તરીકે ઓળખાવાયેલો સમયગાળો અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓના કાળાડિબાંગ અંધકાર જેવો હતો, એમ કહી શકાય. ત્યાર પછી ધીમે ધીમે વિજ્ઞાનને કારણે લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવતું ગયું. વિજ્ઞાન ગમે એટલું આગળ વધે, તે જેટલી ઝડપથી લોકોની જીવનશૈલી બદલી નાંખે છે, એ ગતિએ માન્યતાઓ કે માનસિકતાને બદલી શકતું નથી. પરિણામે છેલ્લામાં છેલ્લી ઢબનું ઉપકરણ વાપરતો માણસ માનસિક રીતે સો-બસો વરસ પાછળ અને પછાત હોય એની નવાઈ નથી. બીજા દેશોની ખબર નથી, પણ આપણા દેશમાં આવા પરચા અવારનવાર મળતા રહે છે. ક્યારેક કોઈ આધુનિકતમ તબીબી કે ઈજનેરી આવિષ્કાર અંગેના સમાચાર વાંચીને સહેજ આનંદની અને એકવીસમી સદીમાં આવ્યા હોવાની ખરેખરી લાગણી અનુભવાય. તેની સામે બીજી અનેક બાબતો જાણીને મધ્યયુગમાં રહી ગયા હોવાનો આભાસ થાય અને સ્વાતંત્ર્યપ્રાપ્તિનો અર્થ નવેસરથી વિચારવો પડે.
૧૯૪૭માં દેશને સ્વાતંત્ર્યપ્રાપ્તિ થઈ અને ત્યાર પછી ૧૯૫૦માં બંધારણ અમલમાં આવ્યું. આ બંધારણમાં તમામ દેશવાસીઓને સમાનતા અને સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા છે. આમ છતાં, હજી ઘણાં સ્થાનો એવાં છે કે જ્યાં બંધારણ જેવી કોઈ બાબત લાગુ પડતી નથી, એમ લાગ્યા વિના રહે નહીં.
કેરળના સબરીમાલાના મંદીરમાં રજસ્વલા સ્ત્રીઓને મંદીરમાં પ્રવેશવા ન દેવાની પ્રથા અને એ અંગે સર્વોચ્ચ અદાલતની ટીપ્પણીને પગલે વ્યાપક ઉહાપોહ અને વિરોધ થયો. આ વિરોધ માંડ શમે ત્યાં મહારાષ્ટ્રના શનિ શિંગણાપુરના મંદીરની પ્રથા સામે મહિલાઓએ આકરો વિરોધ નોંધાવ્યો છે. શનિદેવના આ મંદીરમાં મૂર્તિ પર તેલ ચડાવવાનો હક કેવળ પુરુષોનો જ છે. આ પ્રથા સામે મહિલાઓએ અવાજ ઉઠાવ્યો છે. આધ્યાત્મિક ગુરુ તરીકેની ઓળખ ધરાવતા શ્રી શ્રી રવિશંકરે આ આખા મામલે મધ્યસ્થી કરીને એવો ઊકેલ સૂચવ્યો કે પુરુષ યા સ્ત્રી બન્નેમાંથી કોઈ હવે તેલ નહીં ચડાવે. તેને બદલે કેવળ પૂજારી જ આ વિધિ કરશે. કેવળ પૂજારી દ્વારા વિધિ કરવામાં આવે તો મહિલા પૂજારીઓની નિમણૂક કરવાની માગણી મહિલા સંસ્થાએ કરી છે. આ વિવાદમાં નોંધપાત્ર બાબત એ છે કે મહિલાઓએ પુરુષોના પૂજા કરવાના હકને નાબૂદ કરવા સામે નારાજગી દર્શાવી છે. તેમણે કહ્યું છે કે અમારે પુરુષોનો હક નાબૂદ કરાવવો નથી, પણ અમારો પોતાનો હક જોઈએ છે. આ આખા મુદ્દામાં વિધિના ઔચિત્ય, જરૂરિયાત કે નિરર્થકતાની ચર્ચાને બાજુએ રાખીએ તો લિંગભેદનો મુદ્દો કેન્‍દ્રસ્થાને છે.
કેવળ સબરીમાલા કે શનિ શિંગણાપુરનાં મંદીરોની વાત ક્યાં કરવી? ઘણાં બધાં સ્થાનિક મંદીરોમાં પણ રજસ્વલા મહિલાઓની પ્રવેશબંધી અંગેની સૂચનાઓ ચીતરેલી હોય છે. મહિલાઓને આ બાબતે વાંધો છે કે નહીં એ પછીની વાત છે. પણ આજના વૈજ્ઞાનિક તેમજ માહિતીના સ્ફોટના યુગમાં આવી માન્યતાઓ પ્રચલિત છે એ આઘાતની વાત કહેવાય. ઘણી મહિલાઓએ આના વિરોધમાં અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે એ આનંદની વાત છે. અધિકાર કે વિશેષાધિકાર નહીં, કેવળ નારીત્વના સ્વીકાર અને નારીત્વની જરૂરિયાત બાબતે આપણાં ધર્મસ્થાનોની અને એ રીતે આપણી માનસિકતાની આ સ્થિતિ છે!
વિકાસ, સ્ત્રીસશક્તીકરણ અને સમાન તકોની મોટી મોટી વાતો દેશની હવામાં ચોમેર પ્રસરતી રહે છે. આ વાતાવરણમાં આવી મધ્યયુગીન માન્યતાઓ અને ખાસ તો તેની પાછળની માનસિકતા વરવા સ્વરૂપે પ્રગટ થાય એ જોઈને લાગે છે કે હજી આપણે ઘણો લાંબો પંથ કાપવાનો છે. એટલું જ નહીં, આ લાંબો પંથ કાપતાં અગાઉ તેની દિશા અને ધ્યેય પણ નક્કી કરવાનાં છે. સ્ત્રીસન્માન કે સ્ત્રીશક્તિની વાત આવે એટલે જાણ્યાસમજ્યા વિના યત્ર નાર્યસ્તૂ પૂજ્યન્‍તેનો સાચોખોટો શ્લોક ફટકારી દઈને જ નારીસન્માનની વિભાવના આપણે ત્યાં આદિકાળથી ચાલી આવતી હોવાનો સંતોષ કે ગૌરવ લઈને આપણે ઈતિ કરી દઈએ છીએ. દેવતાઓને નિવાસ કરતા જોવાની અને એ માટે નારીઓની પૂજા કરી દેવાની આપણને એટલી બધી ઉતાવળ હોય છે કે નારીઓ મનુષ્ય છે એ વાત જ ધ્યાનમાં આવતી નથી.
આવા સામૂહિક વલણનું પ્રતિબિંબ જાહેર ક્ષેત્રે મહિલાઓ માટેની પ્રાથમિક સુવિધાઓ તરફ નજર નાંખતાં સ્પષ્ટ થઈ જશે. મહિલાઓને સમાન અધિકાર આપવાના ભાગરૂપે પોલિસ ખાતામાં મહિલાઓની ભરતી કરવામાં આવી રહી છે. પણ પોલિસ વિભાગમાં કાર્યરત હોય એવી મહિલાઓના એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે મોટા ભાગનાં પોલિસ સ્ટેશનોમાં મહિલાઓ માટે શૌચાલય જેવી પાયાની સુવિધાઓનો અભાવ હતો. આને કારણે મોટા ભાગની મહિલાઓ ફરજ પર હોય ત્યારે લઘુશંકાને ટાળવા માટે તરસ લાગે ત્યારે પાણી સુદ્ધાં પીતી ન હતી અને તરસી રહેતી હતી. આઈ.પી.એસ. અધિકારી અને સશસ્ત્ર સીમા બળનાં ઈ‍ન્સ્પેક્ટર જનરલ રેણુકા મિશ્રાએ હાથ ધરેલાં આ સર્વેક્ષણનાં બીજાં પણ ઘણાં તારણો છે. મહિલાઓનું શારિરીક બંધારણ પુરુષથી તદ્દન અલગ છે અને તેથી તેમની જરૂરિયાતો પણ અલગ છે. સાવ પ્રાથમિક તબક્કાની આ જરૂરિયાતો પૂરી પાડવાનું પણ ભાગ્યે જ ધ્યાનમાં આવે છે. 
આ અનુભવ ભારતભરમાં કામ કરતી મહિલાઓને હશે. કેવળ પોલિસવિભાગમાં જ નહીં, મોટા ભાગનાં જાહેર સ્થળોએ મહિલાઓ માટેનાં અલાયદાં શૌચાલય ભાગ્યે જ હોય છે, અને જે હોય છે એની હાલત એવી હોય છે કે તેનો ઉપયોગ કરતાં સૂગ ચડે. મંદીરોની વાત હોય કે જાહેર સ્થળોની, મહિલાઓ માટે પાયાની જોગવાઈની તો ઠીક, એ દિશામાં વિચારવા સુધીની જોગવાઈ પણ આપણે ભાગ્યે જ કરી શક્યા છીએ.

ભવ્ય સાંસ્કૃતિક પરંપરા, નારીઓનું આદરપૂર્ણ સ્થાન, આદર્શ નારીરત્નો વગેરે બાબતો આપણને ગૌરવના મિથ્યા કેફમાં એવા ડૂબાડી રાખે છે કે વર્તમાન સમયની વાસ્તવિકતાઓને નજરઅંદાજ કરવામાં આપણને જરાય વાંધો આવતો નથી. વીસમી, એકવીસમી કે બાવીસમી સદી કેવળ કેલેન્‍ડરમાં બદલાતો સમય છે. કેલેન્‍ડર બદલાવાની સાથે આપણા વિચારોમાં કશો ફરક પડે છે કે કેમ, એ મહત્ત્વનું છે. 
'ગુજરાતમિત્ર' સમાચારપત્રમાં આવતી લેખકની કોલમ 'ફિર દેખો યારો'માં પ્રકાશિત લેખ તેમની મંજૂરીથી સાભાર. )