Tuesday, March 15, 2016

મહિલાઓની રોજિંદી હાલત તરફ કોનું ધ્યાન જાય છે?


બે દિવસ પહેલાં ગયેલા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ઘણી બધી સફળ મહિલાઓની વાત જાણી હશે. તેમનો સંઘર્ષ અને તેના પછી મેળવેલી સરસ સફળતાની વાત.
સમાજમાં બહેનોની પરિસ્થિતિ વિષે હકારાત્મક બાબતો બહાર આવે તે એક પ્રેરણાદાયી વાત છે. વર્ષમાં એક દિવસ આવી વાતો કરવી સારી લાગે છે. તકલીફ બાકીના ૩૬૪ દિવસની છે. મહિલાઓ સાથે થતી જાતીય સતામણીના કિસ્સા રોજેરોજ વધે છે. મહિલાઓનાં અપમૃત્યુનો આંકડો પણ ઓછો નથી થતો. મહિલાઓની રોજેરોજની વાત આ એક દિવસની ઉજવણીથી ખૂબ અલગ હોય છે. અને કરુણતા એ છે કે માત્ર મોટી ઉમરની બહેનો જ નહિ, કિશોરીઓ પણ નાની ઉમરથી સ્ત્રી હોવાની કીમત ચૂકવે છે.
એક અભ્યાસના ભાગરૂપે ભુજનાં ૨૬૫ કિશોર-કિશોરીઓ સાથે વાત કરવાની તક મળી. એમણે પોતાના અંગત અનુભવો બહુ નિખાલસ રીતે વ્યક્ત કર્યા. કિશોરીઓને પણ માત્ર જાતીય સતામણી જ નહિ, બીજી જાતજાતની સતામણી સહન કરવી પડે છે, જેને જાણીને ચોંકી જવાની સાથે દુઃખની લાગણી પણ થાય. જેમ કે : “ હું એક છોકરી છું, તો મને પતંગ ઉડાડવા પણ ના મળે?” આવો સવાલ કરનારી કિશોરીની કેટલી નાનકડી ઈચ્છા, જે આખરે અફસોસમાં બદલાઈ જાય ! એક છોકરીનાં માતાપિતાને કુટુંબથી અલગ રહેવું પડે છે. કેમ કે તેઓ પોતાની દીકરીને ભણાવવા માગે છે અને કુટુંબના વડીલ એવા દાદા તેની વિરુદ્ધ છે.
ભણવા માટે પોતાનાં ગામમાંથી ભુજ આવવા અપડાઉન કરતી કિશોરીઓની વાત તો વળી અલગ જ છે. તેમને તો શું ને શું સહન કરવું પડે છે ! એક છોકરીને એ પ્રશ્ન છે કે બસને લીધે ક્યારેક મોડી આવે તો લોકો વાતો કરે છે કે આવડી મોડી આવી તો જરૂર કોઈ સાથે ”ચક્કર” હશે ! કોઈ આવી ટીકા સહન કરે છે તો કોઈને રોજ બસમાં પુરુષોનો અણગમતો સ્પર્શ સહન કરવો પડે છે. આ જ અભ્યાસમાં જયારે કિશોરો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે ઘણા છોકરાઓ એ બસમાં જાય, જેમાં છોકરીઓ વધુ હોય. ભલે ને તે બસ ગમે તે ગામની હોય !
અપડાઉન એ કોઈ છોકરીની કારકિર્દીનો ભોગ પણ લઇ લે છે. એક છોકરી તેની વાત કરતાં કહે છે કે મારી કોઈ મિત્ર ભુજ ભણવા નહોતી આવતી. તો મારાં કુટુંબના સભ્યોએ મને પણ ભુજ જવા દેવાની ના પડી દીધી. એકલી છોકરીને ભુજ કેમ મોકલાય? મારે તો એન્જિનિયર બનવું હતું પણ શું થાય? ગામમાં જેટલાં ધોરણ છે એટલું ભણીને સંતોષ માનવો પડશે.
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો એ પણ છોકરીઓ માટે તો જાણે કે ગુનો જ છે. એક છોકરી પોતાનો અનુભવ કહે છે કે છોકરાઓ વોટ્સએપ કે સોશિયલ સાઈટ્સ ઉપર રાતે મોડે સુધી ઓનલાઈન રહે તો કોઈ નોંધે પણ નહિ. જયારે એ જ બાબત છોકરીઓ માટે શંકાનું કારણ બને છે. છોકરી થઈને આટલે મોડે સુધી ઓનલાઈન !!
તો આ છે પરિસ્થિતિ. પસંદગીનાં કપડાની વાત હોય કે પસંદગીની ડીગ્રીની વાત, રાતે બહાર જવાની વાત હોય, અન્ય સ્થળે ભણવાની વાત કે પછી સોશિયલ મીડિયાનો ઉપયોગ - છોકરીઓને ના તો પસંદગી કરવા મળે છે કે ના તો નિર્ણય કરવા મળે છે. અને આ બધી બાબતો એટલી સ્વાભાવિક રીતે તેમની જીંદગીમાં વણાઈ ગઈ છે કે તે ખોટું છે એવો અહેસાસ જ નથી થતો. અને જ્યારે અહેસાસ મરી જાય ત્યારે વ્યક્તિનું માનવપણું પણ સાથે મરી જાય છે. અને સાચી તો વાત છે, આપણે સ્ત્રીને “નારાયણી” માનીએ છીએ પણ એ સહુથી પહેલાં એક માનવ છે એ સહજતાથી ભૂલી જઈએ છીએ.

            
      કચ્છમિત્રમાં તા. ૧૦-૩-૨૦૧૬ના પ્રકાશિત)

1 comment:

  1. તારા લેખો જોયાં પણ અશાંતિને કારણે માત્ર જોયાં. મારે તને સાંભળવી હોય તો ?
    મારે તારી અભિવ્યક્તિ જોવી હોય તો ? મને લાગે છે કે તારે યુ ટ્યુબ પર જવું જોઈએ ...મારા આ બ્લોગમાં તું મને જોઈ શકે , વાંચી શકે છે. જો તને મારા બ્લોગ ગમે તો આ વિડીયો બનાવવા માટે હું તારી મદદ કરી શકું છું ..તો પ્લીઝ આ જો. http://neeravcreation.blogspot.in/

    ReplyDelete