Tuesday, March 15, 2016

મહિલાઓની સતામણી એ મર્દાનગીનો પૂરાવો નથી

આપણી સમજ, સંવેદના, અભ્યાસ, અનુભવ એ બધી બાબતો આપણને એક સુસંસ્કૃત માનવ તરીકેની ઓળખ આપે છે. પણ આ બધું હોય છતાં, આપણી ઓળખ ખોટી ઉભી થાય એવું બને. એ માટે કારણરૂપ છે આપણું વર્તન. ઉપરની બધી બાબતોને આપણું વર્તન જ યોગ્ય અથવા નકામી ઠેરવે છે. જ્યાં સુધી કોઈ બાબતમાં વર્તનમાં ના આવે ત્યાં સુધી એ ગમે તેટલી આદર્શ અથવા સારી હોય, વાસ્તવિક નથી બનતી. 
આજે વાત કરવી છે પુરુષ અને સ્ત્રીનાં પરસ્પર સાથેનાં વર્તનની. મોટેભાગે તો આપણે સહુ જાણેઅજાણે સમાજ જેમ ઈચ્છતો હોય છે એમ જ વર્તન કરતાં હોઈએ છીએ. એની અસરને લીધે પૂર્વગ્રહ, પૂર્વધારણાઓ અને ના જાણે શું શું પરિણામ આવે છે. એના કરતાં થોડું વિચારીને વર્તન કરવામાં આવે તો ઘણા પ્રશ્નો ઉભા થતાં અટકી શકે.
ઘણી વાર પુરુષો મિત્રવર્તુળમાં પોતાની સ્વીકૃતિ અને મહત્વ બતાવવા મર્દાનગીનું દંભી પ્રદર્શન કરતા હોય છે. આ પ્રકારનો વ્યવહાર બિલકુલ અયોગ્ય છે. પુરુષોએ પોતાના શબ્દો અને વર્તન પર ધ્યાન આપવાની સાથે તેને સન્માનજનક બનાવવા જોઈએ.
મહિલાઓને જોર-જબરદસ્તી, જરૂરથી વધારે મિત્રતા અને બિનજરૂરી આત્મીયતાની કોશિશ પસંદ નથી હોતી. એટલે એવું બિલકુલ ના માની લેવું કે તેમને આવું વર્તન ગમે છે. મહિલાવિરોધી ભાષા, ગાળો, અભદ્ર બોલીથી દૂર રહેવું. આવી ભાષાનો ઉપયોગ મહિલાઓને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકી દે છે. મહિલામિત્ર હોય કે મહિલા સહકર્મચારી, તેમને માન આપવું કેમ કે અનાદર તંદુરસ્ત સંબંધ માટે જોખમી છે.
આસપાસ થતા સંભવિત જાતીય સતામણીના બનાવો પ્રત્યે સતર્ક અને મદદ માટે તૈયાર રહેવું જોઈએ. ઘણી વાર આવી સતર્કતા મહિલાને મોટી દુર્ઘટનાથી બચાવે છે. ક્યારેક તો એવું બને છે કે હાજરીમાત્ર અથવા થોડો મોટો અવાજ પણ શોષણખોરને પીછેહઠ કરવા ફરજ પાડે છે.
એવું તો ક્યારેય ભૂલથી પણ ના વિચારવું કે યુવતીઓને છેડછાડ પસંદ હોય છે. આ એક બહુ મોટાપાયે ફેલાયેલી ગેરમાન્યતા છે. એ સમજવું બહુ જરૂરી છે કે જાતીય સતામણી એક ગંભીર ગુનો છે, જે નજરઅંદાજ ન કરી શકાય. ફિલ્મો કે ટીવી ધારાવાહિકોમાં બતાવવામાં આવતાં સતામણીના દ્રશ્યો પણ મહિલાઓને અસુરક્ષિત અને અસલામતીનો અનુભવ કરાવે છે.
યુવતીઓ પોતાની ઈચ્છા પ્રમાણે કપડાં પહેરે તો તેની સતામણી વધી જાય છે. એવું માનવામાં આવે છે કે ટૂંકા કે આધુનિક કપડાં પહેરતી યુવતી “ચાલુ” અથવા “બોલ્ડ” છે. પણ એ માન્યતા સાવ પાયાવિહીન છે. કપડાં એ પસંદગીનું પ્રતિબિંબ છે, નહિ કે વર્તન અને વલણનું. પુરુષ હોય કે મહિલા બન્નેને પોતાની મરજી પ્રમાણે કપડાં પહેરવાનો હક છે. શક્ય છે કે કોઈ યુવતીનાં કપડાં કોઈને પસંદ ન આવે પણ તે બાબત ગુસ્સો કે અવગણનાનો અધિકાર નથી આપતી.
 જાતીય સતામણી કોઈ મજાક નથી. આ એક અનિચ્છનીય અને આક્રમક સત્તાનું પ્રદર્શન છે. જે મહિલાઓના આત્મવિશ્વાસને ડગમગાવે છે. એટલું જ નહિ, તેને ગુસ્સો અને નારાજગીનો અનુભવ કરાવે છે. મહિલાઓની સતામણી એ મર્દાનગીનો પૂરાવો નથી. યુવતીઓને એક સાથી અને મિત્રની જરૂર હોય છે, નહિ કે આક્રમક અને તેની ગરિમાને નુકસાન પહોંચાડનાર શોષકોની. ભીડની માન્યતા સાથે ચાલી શોષક બનવું એ સાચું લાગી શકે, પણ આ માન્યતાથી અલગ વર્તન પુરુષોને સન્માન અપાવે છે. આશા છે કે આ સૂચનો મહિલાઓ માટે સ્વસ્થ અને સલામત વાતાવરણ ઉભું કરશે. કાલે વાત કરીશું બહેનોની એમાં ભાગીદારીની...

 (કચ્છમિત્રમાં તા. ૧૧-૩-૨૦૧૬ના પ્રકાશિત)

No comments:

Post a Comment