Saturday, May 21, 2016

પાણી સાધન કે સંપત્તિ નથી, સ્રોત છે

-બીરેન કોઠારી

માનવજાતની પ્રકૃતિ બહુ અળવીતરી હોય છે. કોઈ ચીજ તેની પાસે હોય ત્યારે તેને કશી કિંમત ન હોય. એને તે વેડફી નાંખે, બેફામપણે વ્યય કરે અને તેનું નિકંદન કાઢવાને આરે લાવીને મૂકી દે. અને એ ચીજ તેની પાસેથી જતી રહે ત્યારે તેને મેળવવા માટે એ ધમપછાડા કરે, આકાશપાતાળ એક કરે. આ બાબતનું સૌથી જાગતું ઉદાહરણ એટલે પાણી.
માનવજીવન જ નહીં, જીવ માત્રના જીવન માટે પાણી અનિવાર્ય છે. માનવ પાણીને નાથતો થયો, સંઘરતો થયો ત્યારે લાગ્યું કે તેને પાણીનું મૂલ્ય સમજાઈ રહ્યું છે. પણ આડેધડ વિકાસની આંધળી દોટમાં અત્યારે તે અભૂતપૂર્વ જળસંકટનો સામનો કરી રહ્યો છે. એક તરફ પીવાના પાણીના સાંસા છે અને બીજી તરફ કેટલુંય પાણી વેડફાય છે. એટલું જ નહીં, પાણીને લઈને કોઈ ભાવિ આયોજન પણ નજરે પડતું જણાતું નથી.

મહારાષ્ટ્રના લાતુરમાં પાણીના વિતરણ ટાણે ૧૪૪ મી કલમ લાગુ પાડવામાં આવી છે અને ત્યાં પાણી ભરેલી ટેન્‍કરો ટ્રેન દ્વારા મોકલવામાં આવી રહી છે. દેશના એક ભાગમાં આટલી વિકટ પરિસ્થિતિ છે અને બીજી તરફ ક્રિકેટ મેચોના આયોજન પાછળ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આવો જ વિરોધાભાસ ગંગા, યમુના કે અન્ય નાની મોટી નદીઓના કહેવાતા શુદ્ધિકરણ પ્રોજેક્ટ બાબતે જોવા મળે છે. આ નદીઓમાં વ્યક્તિગત તેમજ તંત્રગત રીતે ગંદકી ઠાલવતી વખતે પાછું વાળીને જોવાતું નથી. એ રીતે નદીની ઓળખ મટી જવા આવે ત્યારે કરોડોના ખર્ચે શુદ્ધિકરણનું આયોજન કરવામાં આવે છે. આ શુદ્ધિકરણ પણ નદીને ફરીથી પ્રદૂષિત કરવા માટે જ કરવામાં આવે છે, એ અલગ વાત છે.
આજકાલ રીવરફ્રન્ટના રૂપાળા નામે નદીકાંઠાઓને શણગારવાની યોજનાઓની ચર્ચા થઈ રહી છે. સૂકાઈ ગયેલી એક નદીમાં બીજી નદીનું પાણી ઠાલવીને તેના પટને કોઈ પણ ભોગે ભરેલો રાખવામાં આવે છે, જેના સાન્નિધ્યમાં કળા, સંસ્કૃતિ, સ્વાસ્થ્ય તેમજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોના ગૌણ કાર્યક્રમના નિમિત્તે  ખાણીપીણીનો મુખ્ય કાર્યક્રમ ચાલતો રહે છે. આ બધો કચરો ભલે નદીમાં ઠલવાતો. રીવરફ્રન્‍ટને વિકસાવવાની આવી યોજનાઓ ઠેરઠેર ચર્ચાઈ રહી છે અને ઘણે ઠેકાણે એનો અમલ થવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. નાગરિકો બિચારા વહેતું પાણી જોઈને એટલા રાજી થઈ જાય છે કે તેમના મનમાં હકારાત્મક વિચારોની ગંગા વહેવા માંડે છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં રહેલા નાના જળાશયો ક્યારના લુપ્ત થઈ ગયા છે. આવા જળાશયો પાણીના તળને જાળવી રાખવામાં ઘણા મદદરૂપ થઈ પડતા. જળાશયો પર હવે બહુમાળી ઈમારતો વટભેર ઉભી છે અને જળાશયની યાદ અપાવતા ખાડા જ્યાં અને જેટલા પણ બચ્યા છે ત્યાં કચરો ઠલવાતો રહેવાથી એ કુદરતી કચરાપેટી બની રહ્યા છે.
વ્યાપક સ્તરે આવો અભિગમ જોઈને વ્યક્તિગત સ્તરે આપણને સૌને થાય કે આમાં આપણાથી શું થઈ શકે? આ સમસ્યા એટલી વિશાળ અને મુખ્યત્વે નીતિગત કારણે ઉદભવેલી જણાય છે!
જરા વિચારીએ તો ખ્યાલ આવે કે આપણા સ્તરે હાથ ધરાયેલા ઉપાયોનું મહત્ત્વ પણ કમ નથી. સૌ પ્રથમ તો પાણીને આપણે સંબંધિત તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાની અને આપણા હકની ચીજ તરીકે જોવાનું બંધ કરવું રહ્યું. કુદરત દ્વારા આપણને પ્રાપ્ત સૌથી મહત્ત્વના નૈસર્ગિક સ્રોત તરીકે તેને આપણે જોઈશું તો જ તેનું મૂલ્ય સમજાશે. આ મહામૂલા સ્રોતને વેડફી દેવો કોઈ કાળે પોષાય નહીં.
પાણીના વેડફાટને નિયંત્રિત કરતો કોઈ કાનૂન બને કે ન બને, નાગરિકધર્મ તરીકે પણ આ બાબતને ગંભીરતાથી લેવા જેવી છે. તંત્ર દ્વારા સામૂહિક સ્તરે જે થાય એ, પણ વ્યક્તિગત સ્તરે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવા જેવી છે. પોતાના વિસ્તારમાં પાણીની છત ભલે હોય, પણ તેનાથી એને વેડફી દેવાનો પરવાનો આપણને મળી જતો નથી.
પાણીના સદુપયોગનું પહેલવહેલું પગથિયું છે તેને નકામું વહી જતું અટકાવવાનું. ટપકતા નળ, ટપકતા સાંધાઓનો ઈલાજ વેળાસર કરીને તેને બંધ કરવાં જોઈએ. પ્લમ્બરને બોલાવવાની મજૂરીની સરખામણીએ પાણીનું મૂલ્ય અનેકગણું વધુ છે.
વિવિધ ઘરેલુ કાર્યો માટે પાણીનો ઉપયોગ કરતી વખતે પાણીના નળને સતત ચાલુ રાખવાને બદલે જરૂર પૂરતું પાણી જે તે કામ મુજબના પાત્રમાં ભરીને તેને વાપરવું હિતાવહ છે. દાંતે બ્રશ કરવા કે દાઢી કરવા જેવું નાનું કામ હોય કે વાસણ ઘસવા, વાહનો ધોવા કે સ્નાન કરવા જેવું વધુ પાણી વાપરતું કામ કેમ ન હોય!
વપરાયેલા પાણીના તેના ઉપયોગ મુજબ પ્રકાર પાડવામાં આવ્યા છે. વાસણ ધોવાં, નહાવું, કપડાં ધોવા વગેરે જેવી ઘરેલુ પ્રવૃત્તિઓથી પેદા થયેલા નકામા પાણીને ગ્રે વોટર કહેવામાં આવે છે. શૌચાલયોમાંથી નીકળેલું મળમૂત્રવાળું પાણી બ્લેક વોટર તરીકે ઓળખાય છે. ગ્રે વોટર પર પ્રક્રિયા કરીને તેને શૌચાલયોમાં ફ્લશ કરવા તેમજ બગીચાને સિંચિત કરવામાં ફરી વાપરી શકાય છે. પણ બ્લેક વોટરને પુનઃઉપયોગમાં લઈ શકાતું નથી. અલબત્ત, એ બાબત ધ્યાનમાં રાખવી રહી કે ગ્રે વોટરમાં ઓગળેલા સાબુ તેમજ ડિટરજન્ટ હોવાથી તેની પર પ્રક્રિયા કરવી જરૂરી છે. તેને એમનું એમ વાપરવામાં આવે તો છોડના વિકાસ વિપરીત થઈ શકે.
સામાન્ય રીતે આપણા ઘરોમાં તમામ પ્રકારનાં વપરાયેલાં પાણીને ગટરમાં વહાવી દેવાની ગોઠવણ કરવામાં આવી હોય છે. આ સંજોગોમાં ગ્રે વોટરના પુન: ઉપયોગ માટે થોડી કામચલાઉ વ્યવસ્થા ઉભી કરવી પડે. આ કામ ઝંઝટભર્યું લાગતું હોય તો પણ એ સમજવું રહ્યું કે આ ઝંઝટ કેવળ એક વારની છે. તેની સામે મળનારો લાભ અનેકગણો વધુ છે.


પાણીનો વેડફાટ અટકાવવા માટે દરેક જણ પોતપોતાની મૌલિક પદ્ધતિ શોધી શકે. પાણીનો વેડફાટ અટકાવવાની સાથે સાથે બીજી મહત્ત્વની વાત છે વરસાદી પાણીના સંચયની. વરસાદી પાણીનો સંચય ઘરના સભ્યદીઠ કેમ ન કરી શકાય? ‘રેઈન બેરલ તરીકે ઓળખાતા સાવ સાદા પીપમાં, તદ્દન ઓછી જગામાં અને સાવ મામૂલી ખર્ચે આ કામ કરી શકાય છે. કુટુંબ સાધનસંપન્ન હોય કે ન હોય, પણ લોકો આ પદ્ધતિ અપનાવે એ ઈચ્છનીય છે, કેમ કે, પાણી કંઈ પૈસા ખર્ચીને ખરીદી લેવાની કોઈ ચીજ નથી, પણ મહત્ત્વનો પ્રાકૃતિક સ્રોત છે, એ સૌને સમજાય એ જરૂરી છે. બીજી ઘણી બિનજરૂરી બાબતો પાછળ નાણાં આપણે વેડફતા હોઈએ છીએ. તેની સરખામણીએ આ પ્રયત્ન અને તેની પાછળનો ખર્ચ વધુ ન ગણાય. જળ એ જ જીવન જેવાં સૂત્રો લખવાથી કંઈ પાણી બચતું નથી. આ સૂત્ર લખવા ઉપરાંત તેને અપનાવીએ તો જ તેનો અર્થ સરે. 

(તસવીર સૌજન્ય : ઈન્ટરનેટ)

No comments:

Post a Comment