Saturday, November 12, 2016

મહિલા સશક્તિકરણ: દિલ્લી અભી દૂર હૈ

         
મહિલા સશક્તિકરણ. આ શબ્દનાં જાતજાતનાં અર્થઘટનો જમાના મુજબ થવા લાગ્યાં છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર કે સેમિનારોમાં આ વિષયે મજાકથી માંડીને ફિલોસોફી તેમ જ મતમતાંતરો ચર્ચાતાં રહે છે. લેખ, કવિતા, નિબંધ- બધું જ લખાય છે. વાસ્તવમાં મહિલા સશકિતકરણ થયું છે ખરું? થયું છે તો કેટલું? અને તેનો માપદંડ શો?
        એ હકીકત છે કે મહિલા સશકિતકરણ માટે ઘણાં નક્કર પગલાં લેવાયાં છે. કચ્છમાં ધરતીકંપ પછીનાં વર્ષોમાં આ મુદ્દો બહુ વેગ પકડી રહ્યો છે. બહુ બધાં ક્ષેત્રે મહિલાઓ આગળ આવી રહી હોવાની વાત થઈ રહી છે. ઘણી સંસ્થાઓ આ ક્ષેત્રે વિવિધ કામગીરી કરી રહી છે અને સરકારની પણ જાતજાતની યોજનાઓ અને ઉજવણી આ મુદ્દાને કેન્‍દ્રમાં રાખીને કરવામાં આવતી હોય છે.
        નોકરી કરનારી મહિલાઓનો વર્ગ વધી રહ્યો છે. પોતાનો - સ્વતંત્ર વ્યવસાય કરતી બહેનો ઘણી સારી સંખ્યામાં દેખાઈ રહી છે. પહેલાંની સરખામણીએ ભણતરમાં પણ છોકરીઓની સંખ્યા વધી રહી છે. કચ્છમાં ભુજ અને ગાંધીધામ સિવાયના અન્ય તાલુકાઓમાં શરૂ થયેલી કોલેજને લીધે અપડાઉનનો પ્રશ્ન ટળી ટળી ગયો છે. પરિણામે છોકરીઓ ઉચ્ચ શિક્ષણ લઈ રહી છે. પત્રકારત્વ, પોલીસતંત્ર જેવાં ક્ષેત્રોમાં આંગળીને વેઢે ગણાય તેટલી, પણ મહિલાઓ છે ખરી. એટલે એમ કહી શકાય કે હવે મહિલાઓના વિવિધ ક્ષેત્રના પ્રવેશની શરૂઆત થઈ ગઈ છે.

        વિવિધ રાજકીય પક્ષોનાં મહિલાજૂથો અલગ બને છે. તેમાં તેમને આગેવાની લેવાની તક મળે છે. તે જ રીતે ગામોમાં સરપંચ અને પંચાયત બોડીમાં પણ મહિલા સભ્યો હોય છે. વહીવટ ખરેખર તેઓ ચલાવે છે કે નહિ એ અલગ પ્રશ્ન છે. તે જ રીતે પંચાયતને સહયોગ આપવા અને ગામના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે અલગ અલગ સમિતિઓ જેમ કે, સંજીવની સમિતિ, પાણી સમિતિ કે શિક્ષણ સમિતિ વગેરેમાં પણ મહિલા સભ્યો હોય છે. હવે તો જ્ઞાતિ મુજબનાં મહિલામંડળ પણ થવા લાગ્યાં છે. અલબત્ત, તેઓ જ્ઞાતિના હિત માટે નિર્ણયો કેટલા લે છે એ અભ્યાસની બાબત છે.
        આ અને હજી પણ એમાં ઉમેરી શકાય એવી ઘણી બાબતો માટે વિચાર આવે કે શું આ જ છે મહિલા સશક્તિકરણ? આ શબ્દોનો અર્થ શો થાય? એથી સહેજ આગળ વિચારીએ તો, માત્ર મહિલા જ નહિ, કોઈના પણ માટે સશક્તિકરણની વ્યાખ્યા શી? કોઈ પણ વ્યક્તિ પોતાની જાત માટેના તમામ નિર્ણયો પોતાની રીતે, પોતાની જાતે લઈ શકે એ નિર્ણયો લેવા જેટલી પરિપક્વતા તેનામાં વિકસે ત્યારે એને સાચા અર્થમાં સશક્તિકરણ કહી શકાય.
         અલબત્ત, આ અર્થને જ્યારે મહિલાઓ સંદર્ભે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે હજી મંઝિલ ઘણી દૂર છે. એટલું હકારાત્મક આશ્વાસન છે કે એ દિશામાં કદમ માંડવાનું શરૂ થયું છે. એટલે મંઝિલ દૂર છે, પણ હાંસલ અવશ્ય થશે.
        તકલીફ એ છે કે આપણે ત્યાં મોટા ભાગે બધી બાબતોને બાહ્ય માપદંડથી જ મૂલવવામાં આવે છે. એ ધર્મપાલન હોય, દેશપ્રેમ હોય કે પછી મહિલા સશક્તિકરણ. બહાર દેખાતી સ્થૂળ બાબતો માપદંડ બને ત્યારે સાચું મૂલ્યાંકન અઘરું છે. સશક્તિકરણનાં ઘણાં પાસાં છે. એને બહારથી માપવાને બદલે ઊંડાણથી સમજવા પ્રયત્ન કરીએ તો સાચું ચિત્ર બહાર આવે. આ માટે સમય કે દરકાર તો પછીના તબક્કે આવે, એ સમજવાની નિયત પણ ઓછી જોવા મળે છે. જાહેર જીવનમાં પડેલા જવાબદાર લોકો પણ અનેક પ્રસંગે મહિલાઓ વિષે જે ટીપ્પણીઓ પ્રસાર માધ્યમોમાં કરે છે એ તેમની અસલી માનસિકતા સૂચવે છે. એટલું જ નહિ, તે એ પણ દર્શાવે છે કે આ મુદ્દે હજી આપણા લોકો  સપાટી ઉપર જ છબછબિયાં કરી રહ્યા છે.

        ખરેખર જોઈએ તો મહિલાઓની જિંદગીમાં ઉપરછલ્લો જ ફરક આવ્યો છે. મહિલાઓ નોકરી કરતી થઈ છે. પણ એ સ્થળે એમની સલામતી કેટલી? કેટકેટલાં પ્રકારનાં શોષણનો ભોગ તેઓ બને છે ! ઉપરાંત, પોતાની આવકનો પોતાની મરજી મુજબ ખર્ચ કરવાનો નિર્ણય બહુ ઓછી મહિલાઓ લઈ શકતી હશે. મહિલાઓને નામે મિલકત તો હજી પણ બહુ ઓછી જોવા મળે છે. અને જે જોવા મળે છે એ પણ ટેક્સ બચાવવાના ઈરાદાથી જ. પિતાની કે પતિની મિલકતમાં પોતાના અધિકારરૂપે ભાગ માગતી મહિલાને આજે પણ તિરસ્કારની નજરે જોવામાં આવે છે.
        એ જ પરિસ્થિતિ ભણતરની છે. દીકરીઓનું ભણતર વધ્યું છે પણ શરતો હજી સમાજની જ લાગુ પડે છે. પોતાનાં ગામમાં જેટલાં ધોરણ સુધીની શાળા હોય એટલું જ ભણવું એવા નિર્ણય છોકરીઓ માટે તેમના વાલીઓ દ્વારા લેવામાં આવે છે. બાજુનાં ગામ કે શહેરમાં આગળ ભણવાની સુવિધા હોય તો પણ છોકરીઓને ત્યાં જવા નથી મળતું. કદાચ કોઈ જાય તો અપડાઉનમાં શોષણનો ભોગ બને એવી શક્યતા હોય છે. માત્ર આ જ કારણસર કેટલી બધી છોકરીઓની કારકિર્દી બની શકતી નથી. બીજું પરિણામ એ આવે છે કે અપડાઉનમાં આવો કશો અનુભવ થાય તો છોકરીઓ પોતાનું ભણતર બંધ થઈ જશે એ બીકે કોઈને તેઓ કોઈને કહેતી નથી. જે થાય તે, ભણવા તો મળે છે ને! એવા વિચારે બસ કે અન્ય વાહનમાં કે બસ સ્ટેન્ડ જેવી જાહેર જગ્યાઓ ઉપર થતી જાતીય સતામણી સહન કર્યા કરે છે. એ રીતે જોઈએ તો સગવડ અને વિકાસમાં આ ફરક છે. કમ્પ્યુટરથી સજ્જ, વિશાળ મકાનવાળી એકદમ અદ્યતન શાળા હોય. પણ એમાં છોકરીઓની સંખ્યા ઓછી હોય કે છોકરીઓ માટે અલગ બાથરૂમની વ્યવસ્થા ના હોય તો એ માત્ર સગવડ અને એ પણ અપૂરતી સગવડ છે, વિકાસ નથી જ નથી.  
        હમણાં એવો પ્રવાહ ચાલ્યો છે કે આપણી સંખ્યા વધારો. આવાં બેજવાબદાર નિવેદનો આપણા નેતાઓ જાહેરમાં કરે છે. એમને ખ્યાલ નહિ હોય કે એક બાળકને જન્મ આપતાં કેટલી તકલીફ પડે છે. પ્રસૂતિ એ સમાજની નહિ, પણ કુદરતની વ્યવસ્થા છે. એટલે એ દુનિયાની દરેક સ્ત્રી માટે એકસરખી જ હોય છે. એમાં કોઈ ધર્મ, જ્ઞાતિ, વર્ગ કે વિસ્તાર નડતાં નથી. એટલે વધુ બાળકો પેદા કરો એ બોલવું સહેલું છે, એટલું કરવું સહેલું નથી.
        કેટલાં બાળકોને જન્મ આપવો એ નક્કી કરવું સ્ત્રીના હાથમાં નથી. એને લાગે કે મારે એક સંતાન જ પૂરતું છે. પણ એ જો દીકરી હોય તો કુટુંબનાં દબાણને વશ થઈને તે સ્ત્રીએ પુત્રજન્મ ના થાય ત્યાં સુધી વારંવાર પ્રસૂતિની પીડામાંથી પસાર થવું પડે છે. કાયદો ગમે તે હોય, તેને અવગણીને ડોક્ટરોને વધુ પૈસા આપીને, સોનોગ્રાફી દ્વારા ગર્ભપરીક્ષણ કરાવવામાં આવે છે. ગર્ભમાં બાળકી હોય તો પોતાની મરજી વિરુદ્ધ તે સ્ત્રીને ભ્રૂણહત્યા કરાવવાની શારીરિક અને માનસિક પીડામાંથી પસાર થવું પડે એ અલગ.
        આ લખનારને આરોગ્ય ચકાસણીના કેમ્પ દરમ્યાન ત્રણથી ચાર મહિનાના ગાળામાં, અલગ અલગ ગામોની હજારથી વધુ બહેનોને મળવાનું થયું. એ બહેનોએ પોતાનાં દિલની વેદના ઠાલવી તેમાં આ જ વાત વારંવાર સાંભળવા મળી. કેટલીયે બહેનોને દબાણ હતું કે બાળક તો પુત્ર જ હોવું જોઈએ. મોટા ભાગની બહેનોને વારંવાર પ્રસૂતિને લીધે ગર્ભાશયની તકલીફ હતી. પતિ જનનાંગોની સફાઈ ના રાખે એમાં તેની પત્ની જાતજાતના ચેપનો ભોગ બને. આટલી મોટી સંખ્યામાંથી માસિકની તકલીફ ના હોય એવી માંડ એકાદ બે બહેનો હતી. એ સમયગાળા દરમ્યાન શારીરિક પીડા અને માનસિક તાણ બધી બહેનો અનુભવતી હતી.

ત્યારે યાદ આવે કે બસમાં બહેનો માટે અલગ સીટ હોય છે. પણ એ કોણ ખાલી કરી આપીને બહેનોને બેસવા આપે છે? આખી બસમાં કઈ બહેન માસિકના સમયગાળામાંથી પસાર થઈ રહી છે એ કેમ ખબર પડે? બહેનો માટે અલગ સીટની જોગવાઈ આવાં કારણોસર કરવામાં આવી છે. પણ એનો અમલ યોગ્ય રીતે થતો નથી. મહિલા અશક્ત કે નબળી છે એટલે નહિ, પણ આ પરિસ્થિતિ દરમ્યાન એને રાહતની જરૂર હોય છે એ સમજાતું નથી. પોતાનાં ગામમાંથી તાલુકા કે જિલ્લામાં ખરીદી માટે આવતી બહેનો માટે શૌચાલયની પૂરતી વ્યવસ્થા નથી હોતી. બસસ્ટેન્ડમાં પણ એ વ્યવસ્થા નથી હોતી. અથવા હોય તો સફાઈ, પાણી, લાઈટ અદૃશ્ય હોય છે.
        સંતાન બાબતે બીજી સામાજિક તકલીફો પણ થાય છે. દીકરી આવે તો પિતાને નહિ, માતાને જવાબદાર ઠેરવવામાં આવે છે. બાળક રહેવામાં તકલીફ થતી હોય તો સ્ત્રીએ જ તપાસ કરાવવાની, પતિમાં ખામી હોઈ જ ના શકે. એ માટે ક્યારેક પુરુષનાં બીજાં લગ્ન સુધી પણ વાત પહોંચે છે.
        સગવડ અને વિકાસની વાત કરીએ તો દવાખાનું હોય તો પૂરતો અને જરૂરી સ્ટાફ ના હોય. સ્ટાફ હોય તો પાણી કે લાઈટ ન હોય. બધું હોય તો એક મહિલાને તપાસવા માટેની  પૂરતી અંગતતા (પ્રાઈવસી) ના હોય. એટલે માત્ર માળખું, અને એ પણ નામનું, હોય તો તેને સગવડ કહેવાય, વિકાસ કદી ના કહેવાય.

        રાજકીય બાબતોમાં ઉપર ઉપરથી સશક્તિકરણ દેખાય છે. પણ વાસ્તવિકતા અલગ હોય છે. હજી મહિલાઓ સરપંચ કે પંચાયત સભ્ય હોય તો નિર્ણય બીજા લોકો જ લેતા હોય એ સામાન્ય છે. એમાં પણ કહેવાતી નીચી જ્ઞાતિઓની મહિલા હોય તો વાત સાવ પૂરી. તેઓ કદી પંચાયત ઓફીસનું પગથિયું ચડી નથી હોતી. અલબત્ત, હવે ક્ષમતાવર્ધનની ઘણી પ્રક્રિયાઓ સરકાર અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે. તેનાથી કેટલો ફરક પડે છે એ ભગવાન જાણે. સગવડ અને વિકાસની વાત વધુ એક વાર કરીએ તો કમ્પ્યુટરાઇઝ્ડ પંચાયતઘર હોય, બધી વિગતો નાગરિકો માટે ઉપલબ્ધ હોય, સીસી ટીવી કેમેરા લાગેલા હોય તો એ સગવડ છે. એવી ઓફિસમાંથી મહિલા સરપંચ પંચાયત બોડીની નિયમિત મિટિંગ કરે, ગ્રામસભા નિયમિત થાય અને તેમાં ગામના તમામ નાગરિકો હાજર રહે તો એ વિકાસ છે. પણ ખરેખર એવું થાય છે ખરું? બહેનોને એ ખબર પણ નથી હોતી કે ગ્રામસભા ક્યારે યોજાઈ ગઈ. રજીસ્ટર ઘરે આવી જાય એટલે આંખ મીંચીને અંગૂઠો કે સહી કરી આપવાની.
            ધર્મ, જ્ઞાતિ, સમાજ – આ બધી બાબતોનું બંધન સ્ત્રીઓને સહુથી વધુ નડે છે. ભારતનાં બંધારણે આપેલા મૂળભૂત હકો મેળવવા માટે તેમણે લડત કરવી પડે છે. કોર્ટનો આશરો લેવો પડે છે ત્યારે તેમને તે માંડ મળે છે. છતાં, લોકો એને મજાકનું પાત્ર જ બનાવે છે.
        સ્ત્રી સમાનતા અને સશક્તિકરણ માટે પગલાં લેવાય છે પણ એ માટે સ્ત્રીએ પોતાની જાતને પુરવાર કરવી પડે છે. ઓલીમ્પિક્સ રમતોમાં સિન્ધુ, દીપા કે સાક્ષીને પહેલાં પોતાની જાતને, આવડતને સાબિત કરવી પડી. ત્યારે દેશ તેમના માટે ગૌરવ અનુભવે તેવી સ્થિતિ ઉભી થઈ. પણ તેઓ આ રમતો માટેની પૂર્વતૈયારી કરતી હતી ત્યારે તેઓ જ્યાં રહે છે એ સમાજ, તેમને અને તેમના પરિવારને નીચો દેખાડવાની એક પણ તક જતી નહોતો કરતો. એ જ હાલત ભારતમાં ઓછેવત્તે અંશે બધે જોવા મળે છે. કોઈ સ્ત્રી ચીલો ચાતરે અને કશી નવી શરૂઆત કરે એટલે તેની ઉપર માછલાં ધોવાય, એની ક્ષમતા ઉપર શંકા કરવામાં આવે, તે હાંસીનું પાત્ર બને.

        નિર્ભયા જેવો કિસ્સો બને ત્યારે દેશભરમાં નાગરિકો દેખાવો કરે, ન્યાય માગે. પણ એવી  ઘટના ઘર આંગણે બને ત્યારે એ છોકરીના ચારિત્ર્ય ઉપર આંગળી ચીંધવામાં આવે. નિર્ભયા કેસ વખતે એના ઉપર દુષ્કર્મ કરનારા લોકોની મુલાકાત જોઈએ તો એ જ સદીઓ જૂની વાતો સાંભળવા મળેલી. છોકરીઓએ વધુ ભણવું ના જોઈએ, છોકરીઓએ મોડી રાત્રે બહાર ના નીકળવું જોઈએ, છોકરીઓએ પોતાના મિત્રો સાથે ફરવું ના જોઈએ વગેરે વગેરે.. એ ઘટના પછી કાયદામાં બદલાવ આવ્યો એ બરોબર. માનસિકતામાં બદલાવ આવ્યો ખરો? એ કેસ થોડો જૂનો થયો એટલે હવે ભૂલાઈ ગયો. એના પછી ભારતનાં ઘણાં રાજ્યોમાં આવા કિસ્સા બન્યા ત્યારે એ જ માનસિકતા ઝલકતી લાગે.
        એક અભ્યાસ દરમ્યાન કચ્છમાં વિવિધ વિસ્તાર, ઉમર અને સ્તરની બહેનોને પૂછવામાં આવ્યું કે તમને ક્યાં અસલામતી લાગે છે? જવાબમાં કાર્યસ્થળ, જાહેર પરિવહન, ધાર્મિક સ્થાનો, જાહેર જગ્યાઓ, મનોરંજનના સ્થળો, શૈક્ષણિક સંકુલ વગેરે આવ્યાં. આ યાદી પૂરી જ નહોતી થતી. અને સહુથી ચોંકાવનારી બાબત એ કે તેમાં સહુથી પહેલાં સ્થાનમાં પોતાનાં ઘરનો સમાવેશ થતો હતો. આ જોઈને લાગે કે હજી  આ મુદ્દે ઘણું કામ કરવાનું બાકી છે.
        બહેનોએ પોતે પણ પોતાનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. સશક્તિકરણ એ બાહ્ય વસ્તુ નથી એ સૌથી પહેલું સમજવાની જરૂર છે. એ બદલાવ આંતરિક એટલે કે વિચારોમાં, વર્તનમાં, નિર્ણયોમાં હોવો જોઈએ. પેન્ટ-શર્ટ પહેરવાં કે રાતે બહાર ફરવું એ સશક્તિકરણ નથી. પુરૂષો કરે છે એ કરવું, એટલે કે પુરુષસમોવડી બનવું એ પણ સશક્તિકરણ નથી. સાચું સશક્તિકરણ છે પોતાની જાત માટે સાચા નિર્ણયો લેવામાં. જેના માટે સંઘર્ષ કરવાની, વિરોધ કરવાની કે બળવો કરવાની જરૂર નથી. જરૂર છે માત્ર તેની સમજણ કેળવવાની અને યોગ્ય બદલાવ માટે પહેલ કરવાની.

        સમાજ, સરકાર અને સંસ્થાઓએ પણ એ રીતે વિચારવાની અને આ દિશામાં પગલાં ભરવાની જરૂર છે. મહિલા સશક્તિકરણ એ કોઈ દિવસ, સપ્તાહ, માસ કે વર્ષ પૂરતી ઉજવણીઓ, કાર્યક્રમો, યોજનાઓ કે પ્રોજેક્ટ નથી. સશક્તિકરણ એ માનસિક બદલાવ છે. એ સગવડ નથી. એ વિકાસ છે. હજી પણ છાપાંઓની મહિલાવિશેષ પૂર્તિ, મહિલાલક્ષી સામયિકો કે જ્ઞાતિના મહિલામંડળો મહેંદી, કેશગુંફન, રંગોળી, વાનગીઓમાં જ કેદ છે. બહેનોને લગતી કાયદાકીય માહિતી, જરૂરી કાઉન્સેલિંગ, આર્થિક રોકાણો માટેનું માર્ગદર્શન, સ્ત્રીહિંસા વિષે ચર્ચા જેવી બાબતો ક્યારેય એમનો પ્રોજેક્ટ બનશે ખરો?
        બહેનોનાં અપમૃત્યુના સમાચાર રોજ જોવા-વાંચવા મળે છે. કેમ? કેમ કે મહિલાને નામે મિલકત હોય નહિ. પતિ કહે કે આ ઘર મારું છે. પિતા કહે કે દીકરી તો સાસરે જ શોભે. ઘરનાં સભ્યો આવું કહે તો સમાજ શા માટે બાકી રહે? રિસામણે આવી છે,  એ તો પહેલેથી જ છૂટી હતી, આવું થવાનું જ હતું. આવી વાતોથી બધાં સ્ત્રીનું જીવવું હરામ કરી નાખે છે. ત્યારે એને સાંભળનાર કોઈ નથી હોતું. એ જાય તો ક્યાં જાય? એટલે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો એને માટે રહેતો નથી.
        પંચતંત્રની બાપ-દીકરો અને ગધેડાવાળી વાર્તા સ્ત્રીઓના સંદર્ભે બરાબર લાગુ પડે છે. ગધેડા ઉપર બાપ બેસે, દીકરો બેસે, બંને બેસે કે બેમાંથી કોઈ ના બેસે, પણ લોકો ટીપ્પણી કર્યા વિના રહે નહીં. એ જ રીતે સ્ત્રી ભણે કે ના ભણે, નોકરી કરે કે ના કરે, તૈયાર થાય કે ના થાય,  લગ્ન કરે કે ના કરે, દરેક સ્થિતિમાં તેના માટે વિપરીત ટીપ્પણીઓ થતી રહેતી હોય છે. વિકાસની ગમે તેટલી ગુલબાંગો પોકારવામાં આવે, આ મુદ્દે હજી ઘણું કરવાનું બાકી છે. અલબત્ત, સહુએ સાથે મળીને જ.

       આટલું વાંચીને કોઈને એમ લાગે કે આ દૃષ્ટિકોણ નકારાત્મક છે અને જે થઈ રહ્યું છે એની તરફ દૃષ્ટિ રાખવી જોઈએ. ખરેખર તો આપણે પહોંચવાનું હોય એ તરફ દૃષ્ટિ રાખવાની હોય. વાસ્તવિકતાને નજરઅંદાજ કરવી એ નકારાત્મકતા નથી, કેમ કે, રોગનું નિદાન સાચું હશે તો જ એનો ઈલાજ થઈ શકશે. 
નોંધ : તમામ કાર્ટૂન્સ નેટ ઉપરથી લીધેલાં છે.


('મંગલમંદિર'માં પ્રકાશિત)

3 comments:

  1. સુંદર લેખ માટે અભિનંદન! લેખને અનુરૂપ કાર્ટૂનોની પસંદગી બહુ સરસ છે. તેના માટે વિશેષ અભિનંદન.

    ReplyDelete
  2. Very well right the article uttkantha. 👍👍👍👍

    ReplyDelete
  3. સ્ત્રી સશક્તિકરણની કોઈ પણ ચર્ચા સાવે સાવે હેતુલક્ષી નથી રહી શકતી.એવી અપેક્ષા પણ ન જ રાખવી જોઈએ કેમકે એ ચર્ચાનો આખિરકાર સૂર તો ચર્ચામાં પુરુષ કે સ્ત્રી કોણ ભાગ લ ઈ રહ્યું છે તેના પર અવલંબિત રહેતો હોય છે.
    પુરુષોને આ ચર્ચા નકારાત્મક જણાશે અને સ્ત્રીઓને નીરાશાનો સૂર સંભળાશે.
    ખરેખર તો આ એક એવી પ્રક્રિયા છે જેને સતત ધક્કો આપતાં જ રહેવું પડે. ધ્યાન માત્ર એ રાખવાનું છે કે ધક્કો સાચી દિશામાં લાગી રહ્યો હોય.

    ReplyDelete